સમગ્ર શિક્ષા અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા સુરત દ્વારા આઈ.ઈ.ડી. અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અત્રેનાં બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું.
સદર કેમ્પમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકા મળી કુલ 70 જેટલાં લાભાર્થી બાળકોને તેમની દિવ્યાંગતાની કેટેગરી મુજબ ટ્રાઇસીકલ, વ્હિલચેર, ક્રચિસ, કેલિપર્સ, એમ.આર.કીટ, સી.પી.ચેર, હીયરીંગ એડ્સ, બ્રેઈલ કીટ જેવાં વિવિધ પ્રકારનાં સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે 6 થી 18 વર્ષનાં શાળામાં અભ્યાસ કરતાં હલન ચલન ખામી ધરાવતાં બાળકો (OH), માનસિક ક્ષતિ ધરાવતાં બાળકો (ID), સંપૂર્ણ અંધ બાળકો (TB), મૂકબધિર બાળકો (HI) તેમજ બહુ દિવ્યાંગતા ધરાવતાં બાળકો (MD) ને એલિમ્કો કંપની દ્વારા સાધન સહાય કરવામાં આવી છે જે સરાહનીય બાબત છે. આ પ્રસંગે દિવ્યાંગતાની કેટેગરી મુજબનાં ડોક્ટર્સની ટીમ ખડેપગે રહી હતી.
સદર કેમ્પમાં જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર હરેશભાઈ ગલસર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
કેમ્પમાં ભાગ લેનાર બાળકો અને વાલીઓને ચા-નાસ્તો તેમજ આવવા-જવાનું ભાડું અત્રેની કચેરીથી આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્પેશિયલ એજ્યુકેટર મિલન પટેલ અને બળવંત પટેલ તથા વિશિષ્ટ શિક્ષિકા નીતા પટેલ અને જીજ્ઞા પટેલ તેમજ ચોર્યાસી તાલુકાનાં વિપુલ દેસાઈ તેમજ દિલીપ ખસિયાએ જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.