યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જરૂરી છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

Contact News Publisher

જયેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ પણ નવ વર્ષની નાની વયે પ્રથમવાર યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :તા. 18 દેડિયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનાં હાલનાં અધિકૃત ગાદીપતિ સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં ચિંતન પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આગમન વેળા તેઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચિંતન પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નટુભાઇએ કર્યું હતું. જયારે સમગ્ર મંચ સંચાલન સુંદર રીતે કુંવરજીભાઇ દ્રારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિવિધ ધર્મનાં લોકોને સંબોધન કરતા ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે આજનાં સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ, સમજવા પર નહીં. ખરેખર જરૂર એકબીજાને સમજવાની છે, સમજતાં થઇશું તો કદાચ સમજાવવાનો તબક્કો જ નહીં આવે. આ ઉપરાંત તેમણે વિચાર, ટેવ, ચારિત્ર, પ્રારબ્ધ જેવી અગત્યની બાબતોનું મહત્વ દર્શાવી યુવાપેઢી વિચાર, મૌન અને અધ્યાત્મનાં મહાત્મ્યથી વાકેફ થવી જોઇએ એમ જણાવ્યું હતું. સૂફી પરંપરા સાથે સંકળાયેલા વિવિધ પરીબળોને સરળ ભાષામાં સમજાવી અનુસરણ, આસ્થા અને અધ્યાત્મને પ્રાધાન્ય આપવા જણાવી વધુમાં તેમણે માનવ અવતારને અનુરૂપ જીવન જીવવા પર ભાર મૂકી અધ્યાત્મિકતા થકી જીવન જીવવાનો મર્મ સમજાવી, જીવનમાં આધ્યાત્મિકતા હશે ત્યારે જ જીવન સાર્થક થશે એમ જણાવ્યું હતું. આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી, શિક્ષણ મેળવવા, વ્યસન મુકિત સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા આપવા ખાસ હાકલ કરી.
ડો.મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમનાં નવ વર્ષનાં જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રથમવાર યુવા પેઢીને વિશેષ સંબોધન કરી આદર, શિક્ષણ તથા સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું, જે ચિંતન પર્વનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ચિંતન પર્વમાં તાલુકા તેમજ જિલ્લાનાં ભાઇઓ, બહેનો, બાળકો, શ્રધ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, તમામ આમંત્રિત મહેમાનોનાં ભોજન માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે મહેફિલ એ સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other