ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કરોડોનાં ખર્ચે બનેલ બસડેપોનું હજુ સુધી લોકાર્પણ ન કરાતા મુસાફરો માટે બિનઉપયોગી સાબિત

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ગિરિમથક સાપુતારા ખાતે કરોડોનાં ખર્ચે બનેલ બસ ડેપો શોભાનાં ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે. કારણ કે બસ ડેપો બની ગયો હોવા છતા પણ તેનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. ત્યારે બીજી તરફ ચોમાસાનાં દિવસોમાં તથા ઉનાળામાં લોકોએ ખુલ્લા આકાશ નીચે ઉભુ રહેવુ પડતુ હોય છે. ત્યારે રાજ્યનું પરિવહન વિભાગ શેની રાહ જોઈને બેઠુ છે તે પ્રશ્ન બની ગયો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે બસ ડેપો બનાવવામાં આવેલ છે. જોકે લોકાર્પણ કરવામાં આવેલ ન હોવાથી બસ ડેપો ધૂળ ખાઈ રહ્યુ હોય તેવુ નજરે દેખાઈ રહ્યુ છે. તેમજ આ બસ ડેપો માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયુ છે.કારણ કે દરરોજ શાળા – કોલેજ આઇ.ટી.આઇ. વગેરેનાં વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં કે વરસાદમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તેમજ એસટી બસો પણ ડેપોની બહાર પાર્કિંગ કરાતા ત્યાંથી પસાર થતા પ્રવાસી વાહન ચાલકો માટે અડચણરૂપ બને છે. સાથે નજીકમાં શૌચાલય ન હોવાનાં પગલે ડેપોની બાજુમાં જઈ મુસાફરો શૌચ ક્રિયા કરી ગંદકી ફેલાવી રહ્યા છે. આ ડેપોનું લોકાર્પણ ન થતા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ તડકો અને વરસાદમાં પલળીને હાલમાં નિશાસા નાખી રહ્યા છે. તેમ છતા પણ રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ બસ ડેપોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી. ત્યારે મુસાફરો તથા પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ અહીં પ્રશ્ન એ થાય છે કે આવનાર દિવસોમાં દિવાળીનાં પર્વમાં અસંખ્ય મુસાફરો સાપુતારા ખાતે આવશે તેમ છતાં ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ બસ ડેપોનું લોકાર્પણ કેમ નથી કરવામાં આવી રહ્યું ? મુસાફરોએ હેરાન પરેશાન થવું પડતુ હોય તેમ છતા પરિવહન વિભાગ કેમ ધ્યાન આપતું નથી ? શું રાજ્ય પરિવહન વિભાગને મુસાફરોની કોઈ પરવાહ જ નથી ? પરિવહન વિભાગ લોકાર્પણ કરવા માટે કોની રાહ જોઈ રહ્યું છે ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ત્યારે હવે પરિવહન વિભાગ દ્વારા આગળ પણ કોઈ યોગ્ય નિર્ણય લઈ મુસાફરોના હિતમાં નિર્ણય લેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ. આ બાબતે સાપુતારા નવાગામનાં સ્થાનિક રહેવાસી રામચંદ્ર હડશે જણાવ્યુ હતુ કે સાપુતારા ખાતે રાજય સરકાર દ્વારા અદ્યતન બસડેપોનું નિર્માણ કરાયુ છે જે સરાહનીય બાબત છે. પરંતુ આ એસટી ડેપો બનીને ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે. જેથી એસટી બસો પણ બહાર પાર્ક કરવામાં આવે છે.અને મુસાફરો સુવિધાઓ હોવા છતાંય બહાર રઝળી રહ્યા છે. જેથી આ એસટી ડેપોનું સત્વરે લોકાર્પણ કરવામાં આવે તે જરૂરી બની ગયુ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other