ગિરિમથક સાપુતારાનાં સનસેટ પોઈંટ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગનો આયોજન વિનાનો આંધળો વિકાસ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન વગર આંધળો વિકાસ થઇ રહ્યો છે, જેમા સાપુતારાનાં સનસેટ પોઇન્ટ પર કરોડો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલ વિકાસકીય કામોમાં જાણે સ્મશાન ભૂમિ બનતી હોય તેવી ડિઝાઇન બનાવતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રવાસન મંત્રીને લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાત કી આખો કા તારા સાપુતારામાં રાજ્યના પ્રવાસન વિભાગ વિકાસનાં ઓઠા હેઠળ વિનાશ કરી રહી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સરકારી ગ્રાન્ટનો આડેધડ ધુમાડો શરૂ કર્યો હોય તેમ હાલમાં હિલ નં 1 પર સનસેટ પોઇન્ટનાં વિકાસ માટે હાથ ધરેલી કામગીરીમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ યોગ્ય આયોજન કે ઢંગધડા વગરની ડિઝાઇનથી જાણે સ્મશાન ભૂમિનું બાંધકામ કર્યું હોય તેમ બે છાપરા બનાવી કરોડો રૂપિયાનો ખર્ચ બતાવી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. સાપુતારાનાં જોવાલાયક સ્થળોનો વિકાસ ઠેઠ ગાંધીનગરથી થતો હોય સ્થાનિક તંત્ર સાથે સંકલન ન હોય સમગ્ર યોજના અધિકારીઓની મનસ્વી રીતે બની રહી છે, કારણ કે જે સ્થળે સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળવાનો હોય ત્યાં વેલિવ્યું સાઈટ બિલ્ડિગ બનાવી આડ્સ ઉભી કરાયુ હોય તેમ વેલી વ્યુ અને સનસેટનો નજારો ઢંકાઈ જવા પામ્યો છે, જયારે અન્ય ટેકરી પર સુંદર બગીચો બનાવવાના બદલે કોંક્રિટ કરી પર્યાવરણની ઘોર ખોદી નાખવામાં આવી છે, તેમજ કરોડો રૂપિયાનાં ખર્ચે પતરાનાં બે સેડ બનાવી જાણે સ્મશાન ભૂમિ જેવી ડિઝાઇન બનાવતા આ દ્રશ્યો પ્રવાસીઓમાં હાશ્યાસ્પદ બનવા પામ્યુ છે. સાપુતારાનાં સનસેટ પોઇન્ટ પર થઈ રહેલ વિકાસ કામોની ડાંગ ધારાસભ્ય વ નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આકસ્મિત મુલાકાત લેતા પ્રવાસન વિભાગની વિકાસ કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે આશ્ચર્ય સર્જાયુ હતુ. તેમણે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા સ્થાનિક તંત્રનાં સંકલન વગર કરાતા કરોડો રૂપિયાના વિકાસ કામો સામે વાંધો લઈ પ્રવાસન વિભાગ સહીત મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. આ સંદર્ભે ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતું કે સાપુતારા ખાતે પ્રવાસન ઉધોગને વેગ મળે તે માટે પ્રવાસન વિભાગ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ યોગ્ય આયોજન ન થતા કે સ્થાનિક તંત્ર સાથે સંકલન ન થતા આડેધડ કામો કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે, જે બાબતે પ્રવાસન મંત્રી સહીત મુખ્યમંત્રી ને રજુઆત કરી તબક્કાવાર યોગ્ય આયોજન બદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૂચનો આપવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.