પીળુ પત્રકારત્વ કરનારાઓનો સાથ લઈ સ્થાનિક પત્રકારોને ડરાવવા નિકળેલા નિનેશ ભાભોર સામે ખાતાકીય તપાસ કરાવી બદલી કરવા માંગ
જીલ્લા બહાર બદલી ન થાય ત્યાં સુધી મીડિયા અને વહીવટી તંત્ર વચ્ચે બગડેલા સંબંધો સુધરવા અશક્ય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નેશનલ પ્રેસ એસોસિએશનનાં નેજા હેઠળ આજરોજ તાપી જીલ્લાનાં પત્રકારો દ્વારા તાપી જીલ્લા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી સ્થાનિક પત્રકારોને રંજાડનારા જીલ્લાનાં સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર ઉપર ખાતાકીય તપાસ કરાવી બદલી કરવાની માંગ કરાઈ છે.
તાપી જીલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને પત્રકારો દ્વારા અપાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, તાપી જીલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે જ્યારથી નિનેશ ભાભોરની નિમણૂંક થઈ છે ત્યારથી નિનેશ ભાભોર દ્વારા પત્રકારો સાથે બિનજરૂરી માથાકૂટ-ઝઘડો કરતા આવેલા છે. નિમ્નકક્ષાનું પીળુ પત્રકારત્વ કરનાર અને ધાકધમકી આપી પૈસા પડાવનાર જીલ્લા બહારના પત્રકાર-તંત્રી સાથે મળી સ્થાનિક પત્રકારોને ડરાવા-ધમકાવવાનું કામ પોતાના સરકારી હોદ્દાનો દૂરઉપયોગ કરી કરતા આવેલા છે. પત્રકારો વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી ખાતાના વોટ્સએપ ગૃપમાં બદનક્ષીકારક લખાણો લખી બદનામ કરતા આવ્યા છે. સ્થાનિક પત્રકારો વિરૂદ્ધ એલફેલ બોલે છે અને બોલેલું પીળુ પત્રકારત્વ કરનારાઓ પાસે છપાવે છે અને છાપેલું ફરી માહિતી ખાતાના વોટ્સએપ ગૃપમાં પોસ્ટ કરી પત્રકારોને બદનામ કરી ઉશ્કેરણી કરતા આવેલા છે. માહિતી ખાતાના વોટ્સએપ ગૃપમાં મૂકાતી પોસ્ટ બાબતે તપાસ કરતા પીળુ પત્રકારત્વ કરનારાઓ સાથે ભાભોરના સારા સંબંધો છે એ વાત સ્પષ્ટ થાય છે.
આ ભાભોરે પોતાને સુપર અધિકારી માની લઈ કલેકટરશ્રી કે માહિતી ખાતાના અધિકારીઓની મંજૂરી લીધા વિના પોતાનો અંગત હેતુ સિદ્ધ કરવા અને પોતાનો દ્વેષ સંતોષવા સરકારી હોદ્દાનો દૂરઉપયોગ કરી પત્રકારો વિરૂદ્ધ વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરતા આવેલ છે તેમ છતા જીલ્લા કલેક્ટરશ્રી કે માહિતી વિભાગ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી નહીં કરવામાં આવતા ભાભોરે પત્રકારોને બદનામ કરવાનુ ચાલુ જ રાખ્યું છે જેથી પત્રકારો અને વહીવટીતંત્ર વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ આવી છે અને સરકારી પ્રચાર પ્રસારની કામગીરી ઉપર અસર વર્તાઈ રહી છે.
આ ભાભોરે સરકારની વિકાસલક્ષી કામગીરી, યોજનાઓ માહિતી કે કાર્યક્રમો લોકો સુધી પહોંચે તેવું કામ કરવાને બદલે પોતાનો સરકારી સમય પત્રકારો સાથે લડવામાં-બદનામ કરવામાં વેડફી રહ્યો હોવા છતાં તેમની સામે શિસ્ત ભંગના પગલાં લેવાતા નથી જે ખૂબ જ ગંભીર વહીવટી ક્ષતિ છે. સરકારી હોદ્દાનો દૂરઉપયોગ કરી પત્રકારો કે આમ જનતાને ડરાવવાનું વધુ સાંખી લેવાશે નહીં. વહીવટી તંત્ર અને મીડિયા વચ્ચે બગડેલા સંબંધો ભાભોરની બદલી વગર સુધારવા શક્ય જણાતા નથી જેથી તેમની વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરી તેમની બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોરે બહુજન સમ્રાટ સાપ્તાહિકમાં છપાયેલા એક આર્ટિકલ બાબતે પોતાના વિશે જ છપાયું છે એવું માની લઈ આ અખબારની બદનામી કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં અખબાર અને તેના તંત્રી ઉપર પાયા વિહોણા ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામી થાય તેવું કૃત્ય કર્યુ હતું. જે બાબતે બહુજન સમ્રાટ સાપ્તાહિક અખબારના માલિક અને તંત્રી પરેશ અટાલીયાએ અખબાર અને પ્રિન્ટર વિરૂદ્ધ કરાયેલા આક્ષેપોનું ખંડન કરી તમામ આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતાં
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.