વિકાસ સપ્તાહ નિમિતે વ્યારા ખાતેથી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે તાપી જિલ્લાના વિવિધ કામોના રૂા.12.49 કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ઉર્જા, નલ સે જલ, અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રીને મળે છે : મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
__
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.10 વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં રાજ્યના સૌ નાગરિકોને જોડી તા. ૦૭ થી તા.૧૫ ઓકટોબર-૨૦૨૪ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન સમગ્ર રાજ્યભરમાં કરવામાં આવ્યું છે.
આ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે તાપી જિલ્લામાં વ્યારા જિલ્લા સેવા સદન ખાતે રાજ્યમંત્રીશ્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા, ગુજરાત રાજ્યના અધ્યક્ષપદે આજે તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ જિલ્લા સેવાસદનના ઓડિટોરીયમ હોલ ખાતેથી તાપી જિલ્લાના વિવિધ કામોના રૂા.12.49 કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ માટેનો સમારોહ યોજાયો હતો.
વિકાસ સપ્તાહની જિલ્લા કક્ષાની પ્રથમ ઉજવણી કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી છેલ્લા ૨૩ વર્ષમાં સમગ્ર ગુજરાત અને ભારતે વિકસિત રાષ્ટ્ર તરફ મીટ માંડી છે. ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે. વિશ્વની અગ્રણી ૫૦૦ કંપનીઓ પૈકી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થઈ છે. આજે ગુજરાતમાં રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ અપ, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતની વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોનો સર્વાંગી વિકાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સમયે અપૂરતી વીજળી, પાણીની તીવ્ર અછત, પૂરતી આરોગ્ય સેવાઓનો અભાવ, કન્યા શિક્ષણનું ઓછું પ્રમાણ – આવા જે અનેક પડકારો હતા તેને તકમાં પલટવાના સામર્થ્યનું ગુજરાત અને ગુજરાતીઓમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં સિંચન થયું છે. આજે 18 હજાર ગામોમાં 24 કલાક વીજળી મળે છે. નલ સે જલ યોજના થકી ગામે ગામ પવિત્ર નદીઓના પાણી મળતા થયા છે. શાળાઓ સ્માર્ટ ક્લાસથી શિક્ષણ આપે છે. મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું કે પંચશક્તિ એટલેકે ઊર્જાશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, જનશક્તિ અને રક્ષાશક્તિના આ પંચામૃત પર ગુજરાતના વિકાસની આધારશીલા મૂકીને પ્રગતિના પંથે ચિતરેલા આ વિકાસ મોડેલને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવ્યું છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે બહુ આયામી વિકાસ મોડેલ પર ગુજરાત રાજ્યએ આગેકુચ કરી છે. સમગ્ર ભારતમાં આપણા જિલ્લામાં બીજા નંબર નો રબ્બર ટેક્નોલોજી આધારિત ચેક ડેમ નિર્માણ પામવાનો છે. ધારાસભ્યશ્રી એ ઉમેર્યું હતું કે આપણા તાપી જિલ્લામાં જે વિકાસ થયો છે તે માનનીય નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણપણે આભારી છે. આપણા જિલ્લાના વિકાસની ઉજવણી કરવા માટે આ વિકાસ સપ્તાહની ઉજવણી આપણે કરીએ છીએ.
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થતા મહાનુભાવો દ્વારા ખાસ મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી. આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંગ વસાવા, સાંસદશ્રી પરભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા , કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, ડીસીએફ શ્રી પુનિત નૈયર, પ્રાયોજના અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા તેમજ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લાના નાગરિકો જોડાયા હતા.
સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની ભારત વિકાસ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તથા ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
———–0000000000————
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.