રાજ્યસરકાર દ્વારા જાહેર કરાયેલ જૂની પેન્શન યોજનાને પગલે સુરત જિલ્લાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર છવાઈ
જિલ્લાનાં તાલુકા ઘટક સંઘો દ્વારા આનંદભેર સરકારનાં મહત્ત્વપૂર્ણ નિર્ણયને વધાવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત સરકાર દ્વારા તા. 1/4/2005 પહેલાં નિમણૂક પામેલ 60 હજારથી વધુ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાની સૈધ્ધાંતિક સ્વીકૃતિ આપવામાં આવતાં સુરત જિલ્લાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. જિલ્લાનાં લાભાન્વિત તમામ શિક્ષકોનાં પરિવાર માટે જાણે અત્યારથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
ઘણાં લાંબા સમયગાળાનાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો બાદ સફળતાની ઉજવણી કરવા જિલ્લાનાં તમામ તાલુકા મથકોએ જે તે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળા સમય બાદ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રેરણા થકી જે તે તાલુકા ઘટક સંઘનાં બેનર હેઠળ હોદ્દેદારો સહિત લાભાન્વિત શિક્ષક ભાઈ-બહેનોએ પોતપોતાનાં તાલુકા મથકે એકત્ર થઈને એકબીજાનું મોઢું મીઠુ કરાવી ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સૌએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી, ગરબાની રમઝટ બોલાવી સફળતા અંગેની ખુશી વ્યક્ત કરી હતી.
આ સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ સંયુક્તપણે જણાવ્યું હતું કે લડતની લાંબી મજલ બાદ આપણને જે સફળતા મળી છે તેનો શ્રેય સંઘનાં તમામ બાહોશ અને જાગૃત શિક્ષક ભાઈ-બહેનોને ફાળે જાય છે. તેમણે ઉમેર્યુ હતું કે સરકારનાં આ આવકારદાયક નિર્ણયથી ઓલપાડ તાલુકામાં 126, મહુવામાં 157, ઉમરપાડામાં 72, પલસાણામાં 137, ચોર્યાસીમાં 35, માંડવીમાં 102, માંગરોલમાં 164, કામરેજમાં 93 તથા બારડોલી તાલુકાનાં 96 મળી કુલ 982 શિક્ષક ભાઈ-બહેનો લાભાન્વિત બન્યા છે જે આનંદની વાત છે. આ તકે તેમણે વર્ષ 2005 પછી નિયુક્ત શિક્ષકો માટે સરકાર હકારાત્મક વલણ અપનાવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.