સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતીમાં કેવિકે વ્યારા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીની કરવામા આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે ખાતે તા. ૨૭/૦૯/૨૦૨૪ ના રોજ કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીના પૂર્ણાહુતી કાર્યક્રમ અંતર્ગત “સંકલિત ખેતીમાં પશુપાલનનો ફાળો” વિષય ઉપર કેવિકે તાપી અને ઈફકો-તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ હતી. ભારત દેશમાં પ્રથમ વાર કેવિકેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણ જયંતી ઉજવણીના ભાગ રૂપે કેવીકે દ્વારા મેળવેલ સિદ્ધિઓ તેમજ ખેડૂતલક્ષી કાર્યો વિશે ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતો કેવીકેનો મહત્તમ લાભ લઈ શકે એ હેતુથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૮૦થી વધુ ખેડૂત બહેનોએ ભાગ લીધો હતો.
પ્રભુભાઈ વસાવા, સાંસદશ્રી (બારડોલી લોકસભા) દ્વારા કેવિકે દ્વારા કરવામા આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓની સરાહના કરી વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી હતી. વધુમાં તેમણે ખેડૂતોને વિવિધ ખેતી પદ્ધતિઓમાં અને પશુપાલનમાં સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી થકી મળતા ઉત્પાદનોને બજાર વ્યાપસ્થપાન અંગે જરૂરી સૂચનો કર્યા હતા. ખેતી ખર્ચ ઘટે અને આવક વધારવા માટે જુદા જુદા કૃષિ વ્યાવસાયો જેવા કે પશુપાલન ખાસ કરીને બકરપાલન થકી વધુ આવક મેળવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કૃષિલક્ષી સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરી કૃષિલક્ષી વિભાગોનો મહતમ લાભ લેવા ખેડૂતોને હાંકલ કરી હતી.
પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) અને વડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત થયેલ કાર્યક્રમો વિશે જાણકારી આપી હતી.
ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા પશુપાલન થકી ઓછા ખર્ચે વધુ આવક મેળવવાના મહત્વના મુદ્દાઓ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ખેડૂતોને પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રેરિત કર્યા હતા. ડૉ. પી. કે. ફુલેત્રા, પશુ ચિકિતસા અધિકારી, તાપી દ્વારા પશુપાલનમાં સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતી આપી હતી. ડૉ. સંજય પરમાર, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા પશુ પોષણ અને પશુઓમા આવતા રોગોના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી અંકિત પ્રજાપતિ, ફિલ્ડ ઓફિસર, તાપીએ ખેડૂતોને ખેતીમાં જરૂરી પોષક તત્વો વિશે માર્ગદર્શિત કરી ઇફ્કો કંપનીની જુદી જુદી પ્રોડક્ટસ વિશે જાણકારી આપી હતી.
કાર્યક્રમના દરમિયાન કૃષિ ટેક્નોલોજીઓને દર્શાવતા કૃષિ રથને ખેડૂતો માટે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખેડૂતો સ્વચ્છતા અંગે જાગૃત થાય એ હેતુથી સ્વચ્છતા સપથ લેવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.