ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર દ્વારા ગામડાઓનાં વિકાસ સાથે ડિજિટલ યુગમાં કદમ મિલાવવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે,પરંતુ વિકાસનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ દેખાય રહ્યુ છે…!!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાનાં તળેટી વિસ્તારમાં આવેલ બોરખલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચવડવેલ, ગાયખાસ ,પાયરઘોડી , ટેમ્બરુનઘરટાં, બોરખલ ગામોમાં નેટવર્કનાં અભાવે રેશન માટે કુપન કાઢવા માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે. એક તરફ ભાજપનાં પૂર્વ સાંસદ ડો કે.સી પટેલ દ્વારા ડાંગ જિલ્લાને ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડવા તેમના ગ્રાન્ટમાંથી બીએસએનએલના ટાવરો નિર્માણ કરાયા હોવાના અવારનવાર તેમના ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવતું હતુ. પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થતા નવા સાંસદ સભ્ય તરીકે ધવલ પટેલ ચૂંટાઈ આવ્યા છતા ડાંગનાં ગામડાઓમાં ટેલિફોન કે ઇન્ટરનેટની સુવિધા મળી નથી. બોરખલ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી ક્મ મંત્રી સતત ગેરહાજર રહેતાની ફરીયાદ કરી છે. સાથે કોમ્પ્યુટર ઓપરેટર પણ ઘણા સમયથી ગેરહાજર રહેતા ગ્રામ પંચાયતમાં આવક ના દાખલા કે રેશન ની કુપન સહીત વિવિધ પ્રમાણપત્રો માટે જિલ્લા મથકે જવુ પડે છે. જેના કારણે ગરીબ આદિવાસીઓને નાણાનો વ્યવ સાથે સમયનો બગાડ થતા આદિવાસીઓ સરકારી યોજનાઓ અને સહાયથી વંચિત રહી જાય છે. ડાંગ જિલ્લામાં કુલ 70 ગ્રામ પંચાયતો આવેલ છે,જેમાં વિભાજન થતા કુલ 100 ગ્રામ પંચાયત બની છે ,જેમાંથી માત્ર 40 ગ્રામપંચાયતોમાં સરપંચ ચૂંટાયા છે ,જયારે બાકીની 60 જેટલી ગ્રામ પંચાયતો કારભાર હાલ વહીવટદાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં તલાટી ક્મમંત્રીઓને વહીવટદાર તરીકેની જવાબદારી આપી હોય એક તલાટી ક્મ મંત્રીને 5 જેટલી ગ્રામપંચાયત નો વહીવટ હોય તેઓ ગ્રામ પંચાયત પર હાજર ન રહેતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી હોય જેથી વહીવટીતંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાનું આદિવાસી ઓ આક્ષેપ કરી રહ્યા છે. આ સંદર્ભે બહુજન સમાજ પાર્ટી ડાંગ પ્રમુખ મહેશભાઈ આહીરેએ જણાવ્યુ હતુ કે ભાજપ સરકાર ડાંગ જિલ્લાને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ હોવાની ગુલાબાંગો હાંકે છે, આજે બોરખલ ગ્રામ પંચાયતમાં ઓનલાઇન ફોર્મ કે અરજી માટે ગ્રામજનોને નેટવર્ક અભાવે આહવા સુધી ધક્કો ખાવો પડે છે. ગરીબ આદિવાસીઓને રેશન ની કુપન કાઢવા જે જગ્યા એ મોબાઈટ નેટવર્ક મળતું હોય તેવી ટેકરી પર જઈ પોતાના પૈસા ખર્ચી ખાનગી કોમ્પ્યુટર ઓપરેટર પાસે કુપન કઢાવવા મજબુર થવુ પડ્યુ છે. જેથી ભાજપ સરકારનો ડીજીટલ ગામડા નો છેદ ઉડી ગયો છે જે કાગળ પર જ હોવાનો અહેસાસ આદિવાસીઓ કરી રહ્યા છે.
આ બાબતે ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારે જણાવ્યું હતું કે ભાજપ સરકારનાં શાસનમાં ભ્રષ્ટ્રાચાર ખુબ વધ્યો છે. ડાંગનાં ગામડાઓને ઇન્ટરનેટ સુવિધાઓ સહીત ટેલિફોનિક સેવા ઉભી કરવા અનેક જાહેરાતો કરવામાં આવી પરંતુ આજે પણ બોરખલ ગ્રામ પંચાયત માં નેટવર્ક ના અભાવે આદિવાસી ઓને આવક કે ખેતીને લગતા દાખલા કાઢવા આહવા સુધી લાંબાવવું પડે છે. હાલ રેશનિંગ નું અનાજ લેવા દરેક લોકોને કુપન કઢાવવી પડતી હોય છે , બોરખલ ગ્રામ પંચાયત માં પાંચ ગામો આવતા હોય અને ગ્રામ પંચાયત માં નેટવર્ક નો અભાવ હોય સમયસર કુપન નીકળતી ન હોય લાભાર્થીને રેશન મળતું નથી. ત્યારે ભાજપના ડિજિટલ ડાંગનું સૂત્ર કાગળ પર જ બની રહ્યો છે .
આ સંદર્ભે આહવા તાલુકા વિકાસ અધિકારી સુહાસભાઈ ગવાંદેએ જણાવ્યું હતું કે હાલ બોરખલ ગ્રામ પંચાયત વહીવટદાર હેઠળ હોય ગ્રામજનો દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી , તેમણે પડતી મુશ્કેલી અંગે કોઈ લેખિત ફરિયાદ આવશે તો સંબધિત વિભાગ ને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.