કલા ઉત્સવ તથા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન બાળમાનસમાં નવા આત્મવિશ્વાસનાં બીજ રોપે છે : કિરીટ પટેલ
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર મુળદ દ્વારા સ્યાદલા પ્રાથમિક શાળા ખાતે દ્વિવિધ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત કલા ઉત્સવ તથા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, મુળદ દ્વારા સ્યાદલા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર સંલગ્ન સરકારી તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્યાદલા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતાં. ત્યારબાદ મુળદનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રેશ્મા પટેલે સૌને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં દરેક શાળાઓનાં બાળકોએ પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યુ હતું. જ્યારે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત બાળ વૈજ્ઞાનિકોએ વિભાગવાર અવનવી કૃતિઓ રજૂ કરીને દર્શકોની વાહવાહ ઝીલી હતી.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને ઉદઘાટક એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાનમેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પોતાનાં પરિશ્રમથી ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી કૃતિઓની રજૂઆત કરે છે જે થકી તેમનામાં કશુંક નવું કરવાનો આત્મવિશ્વાસ જાગે છે. બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે કલા ઉત્સવ પણ એટલું જ મહત્ત્વનું માધ્યમ છે.
સ્પર્ધા અને પ્રદર્શનમાં એક થી ત્રણ ક્રમે વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષક રમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ વડોલી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ભરત સોલંકીએ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.