ડાંગ જિલ્લામાં બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરોનાં દવાખાના બંધ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા દવાખાનાની તપાસ થાય તો કેટલાક ગેરકાયદેસર રીતે ચલાવતા ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાય તેમ છે. ત્યારે ડાંગ જિલ્લામાં બોગસ ડિગ્રી વાળા ડોક્ટરોથી ધમધમતા દવાખાના બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા મહામંત્રી અને ઓ.બી.સી પ્રમુખએ સુબિર તાલુકામાં ગેરકાયદેસર ચાલતા દાવાખાનાની તપાસ કરી હતી. જેમાં મેડીકલ તથા દર્દીને ઈલાજ કરવા માટેનું સરકાર માન્ય રજીસ્ટ્રેશન ન હોય તથા ડિગ્રી વગરનાં ડોકટરનાં નામ સામે આવ્યા હતા. ડાંગ જિલ્લામાં બોગસ ડોક્ટરો હોવાનાં પગલે જે તે સ્થળોએ દવાખાનાનો સૂચક બોર્ડ લગાવવામાં આવેલ નથી અને ત્યાં અમુક ડોકટરો કે જેમને હોમિયોપેથીક નો અભ્યાસ કરેલ છે તેઓ એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ એલોપેથિકની ડીગ્રી વગરનાં ડોક્ટરો ડાંગ જિલ્લાની અભણ પ્રજાને ગેરમાર્ગે દોરીને તેમની સારવાર કરી રહ્યા છે. આ બોગસ ડોક્ટરો દ્વારા વાપરવામાં આવતી દવાને કારણે આડ અસર થઈ તો જવાબદાર કોને ઠરાવવા તે પણ પ્રશ્ન બની ગયો છે. તેમજ આ બોગસ ડોક્ટરો દ્વારા આદિવાસી પ્રજા પાસેથી ખુલ્લી લૂંટ ચલાવી લેવામાં આવતી હોય છે. ગરીબ આદિવાસી પ્રજામાં ચાલતા આ કાળા ધંધા અંગે ચુંટાયેલા પ્રતિનિધી કે આગેવાનો કે અધિકારીઓને ખબર હોવા છતા પણ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ અંગેની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. તેમજ દિન-10માં તપાસ કરવામાં નહી આવે તો આરોગ્યની વડી કચેરીએ જાણ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. સાથે ડાંગ જિલ્લા આમ આદમી સંગઠન પાર્ટી દ્વારા આવેદનપત્રમાં બોગસ ડોકટરોમાં (1) ડો. પંકજ સિ. સિંગ( સુબિર મેઈન રોડ પર દવાખાનું) (2) મિલનભાઈ વિશ્વાસભાઈ (મેઈન રોડ સુબિર) (3) કમલેશભાઈ મુલીક (મહાલ રોડ સુબિર)(4) ભાલચંદ વિ. પાટીલ(મેઈન રોડ સુબિર)નાં નામો સાથે ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં તંત્ર આગામી દિવસોમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.