લોકડાઉન દરમિયાન તાપી જિલ્લામાં ફરજિયાત આશ્રય લેવો પડ્યો હોય તેવા જિલ્લા કે રાજ્ય બહારના વ્યક્તિઓ પરવાનગી મેળવી તેમના વતન જઇ શકશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧: “લોકડાઉન” દરમિયાન ફરજિયાત પણે તાપી જિલ્લામાં આશ્રય લેવો પડ્યો હોય તેવા વ્યક્તિઓ, જિલ્લા વહીવટી તંત્રની પરવાનગીથી તેમના ઘરે, વતનમાં જઇ શકશે.
તાપીના જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓએ “લોકડાઉન” ને કારણે સરહદી તાપી જિલ્લામાં ફરજિયાત પણે આશ્રય લેવો પડ્યો હોય, તેઓને હવે કેન્દ્ર સરકાર નિયમો હળવા કરતા, તેમના ઘર કે વતનમાં જવાની તક ઉપલબ્ધ થઈ છે.
આ માટે જિલ્લા કે રાજ્ય બહાર પોતાના વતનમાં જવા ઇચ્છતા વ્યક્તિઓએ જિલ્લા વહીવટી તંત્રની પરવાનગી મેળવવી પડશે. સાથે પરવાનગી મેળવનાર વ્યક્તિઓએ તેમના પોતાના વાહનની વ્યવસ્થા સાથે, તેની વિગતો પણ આપવાની રહેશે. આવી વ્યક્તિઓને બે દિવસની મળેલી પરવાનગી દરમિયાન તેમનો પ્રવાસ કરી શકશે.
આ માટે ઉપયોગમાં લેવાનારા વાહનોમાં સોશિયલ ડિસ્ટનસિંગના સંપૂર્ણ પાલન સાથે, આવી વ્યક્તિઓએ નિયત આરોગ્ય ચકાસણી પણ કરાવવાની રહેશે, તેમ પણ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું છે.
તાપી જિલ્લામા આવતી કે બહાર જતી વ્યક્તિઓએ (૧) વ્યારા અને ડોલવણ તાલુકા માટે તાલુકા હેલ્થ ઓફિસ-વ્યારા, (૨) વાલોડ માટે તાલુકા હેલ્થ ઓફિસ-વાલોડ, (૩) સોનગઢ માટે તાલુકા હેલ્થ ઓફિસ-સોનગઢ, (૪) ઉચ્છલ માટે તાલુકા હેલ્થ ઓફિસ-ઉચ્છલ, અને (૫) નિઝર અને કુકરમુંડા તાલુકા માટે તાલુકા હેલ્થ ઓફિસ-નિઝર ખાતે આરોગ્ય ચકાસણી માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, ત્યાં આરોગ્ય ચકાસણી કરાવવી પડશે, તેમ કલેકટર શ્રી હાલાણીએ વધુમાં જણાવ્યું છે.
અન્ય વિસ્તારોમાંથી તાપી જિલ્લા પ્રવેશ કરતી વ્યક્તિઓએ ફરજિયાત પણે તેમના નિયત વાહનોના ડ્રાયવર સાથે સ્ક્રીનીંગ સેન્ટર ખાતે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ચકાસણી કરાવવી પડશે. જો કોઇ વ્યક્તિમાં કોરોના સંદર્ભે લક્ષણો માલુમ પડશે તો તેવી વ્યક્તિઓને નિયમોનુસાર ગવર્નમેન્ટ ક્વોટોન્ટાઇનમાં રાખવામાં આવશે, અન્યથા તેમને તેમના ઘરે જવા દેવાશે, એમ પણ તેમણે વધુમાં જણાવ્યું છે.
–