શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ: ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારતાં સુરેશ પટેલ તથા હેમલતા પરમાર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લાનાં શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ગોલા અને કઠોદરા પ્રાથમિક શાળાનાં શિક્ષક અનુક્રમે સુરેશ પટેલ તથા હેમલતા પરમારની પસંદગી થતાં તાલુકાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.
5 મી સપ્ટેમ્બર શિક્ષકદિનનાં વિશેષ અવસરે રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગની પ્રેરણા સહ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અગ્રસેન ભવન, સીટીલાઈટ રોડ, સુરત ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય, જિલ્લા, તાલુકા તેમજ શહેરી કક્ષાનાં અધિકારી-પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો સહિત સન્માનનીય શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનાં રાજય કક્ષાનાં મંત્રી અને ઓલપાડનાં ધારાસભ્ય એવાં સમારોહનાં અધ્યક્ષ મુકેશભાઈ પટેલનાં હસ્તે તાલુકાનાં બંને પ્રતિભાવંત શિક્ષકો એવાં સુરેશ પટેલ તથા હેમલતા પરમારે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સ્વીકાર્યો હતો. આ તકે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા હતાં, સાથે જ તેમને સન્માનપત્ર સહિત રોકડ પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ પટેલ શિક્ષણની સાથોસાથ સામાજિક સેવા ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે. તેઓ ઉમદા વક્તા ઉપરાંત ગુજરાતી ડાયરાનાં જાણીતા હાસ્ય કલાકાર પણ છે. જ્યારે બીજીતરફ હેમલતા પરમાર શિક્ષણકાર્યની સાથે ઈનોવેટીવ પ્રવૃત્તિઓ બાબતે ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. તેઓ પોતે પી.એચ.ડી. થયેલ અને રાજ્યકક્ષાનાં સક્રિય કી-રિસોર્સ પર્સન તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી રહ્યાં છે. આ તકે પોતાનાં પ્રાસંગિક પ્રતિભાવમાં સુરેશ પટેલ તથા હેમલતા પરમારે સંયુક્તપણે જણાવેલ હતું કે આ ઉજળા અવસરે સન્માનિત થતાં અમારી જવાબદારી પણ વધી છે ત્યારે આનાથી પણ વધુ સારી રીતે કામ કરી અમો બાલદેવોનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેમને ઉજળા ભવિષ્ય તરફ લઈ જવાની ખાતરી આપીએ છીએ. આ સાથે તેઓએ શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
બંને એવોર્ડી શિક્ષકોને તેમની વિશેષ ઉપલબ્ધિ માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત બી.આર.સી. પરિવારે આનંદસહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.