ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળકો ઉમળકાભેર એક દિવસનાં શિક્ષક બન્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિન નિમિતે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરનાં રોજ આપણા દેશનાં સન્માનનીય એવાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં સાદગીસભર જીવન અને શિક્ષક તરીકેનાં નૈતિક મૂલ્યોને વાગોળવા કરંજ, પારડીઝાંખરી, નઘોઇ, મંદરોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મીરજાપોર, ભગવા તથા મોર ગામની પ્રાથમિક શાળાનાં બાળકોએ હોંશે હોંશે એક દિવસનાં શિક્ષક બની સહપાઠીઓને ભણાવવાનો આંનંદ લઈને શિક્ષકદિનની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શાળાનાં શિક્ષકોએ શિક્ષકદિનનો મહિમા તેમજ ડો. રાધાકૃષ્ણનની જીવનગાથા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી સૌને સમાજ ઘડતર માટે શિક્ષિત બનવા અંગે પ્રોત્સાહિત કર્યા હતાં. આ વિશેષ દિનનાં અવસરે સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ તથા ઉપપ્રમુખ ચિરાગ પટેલે તમામ શાળા પરિવારને શિક્ષકદિનની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.