ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભિસ્યા પ્રાથમિક શાળાનાં આચાર્યા દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા આચાર્યની બદલીની માંગ સાથે શાળાની તાળાબંધી કરાઈ
ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ અધ્યક્ષ સહીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 04-09-2024 ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભિસ્યા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગત દિવસોમાં એસએમસી કમિટીનાં સભ્ય તથા વાલીઓ અને શાળાના આચાર્ય વચ્ચે મિટિંગ યોજાઈ હતી.જેમાં આચાર્યા દ્વારા વાલીઓ તથા ગામના આગેવાનો સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી.તેમજ આચાર્ય બેનનાં પતિ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમના પતિ દ્વારા પણ ફોન કરીને આગેવાનોને ધમકાવવામાં આવતા હતા.ત્યારે આચાર્યની બદલી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ભિસ્યા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં તા.15/08/2024નાં રોજ ધ્વજ વંદન કાર્યકમ અંતર્ગત એસ.એમ.સી. કમિટીના સભ્યો તથા વાલીઓ અને આગેવાનો ધ્વજ વંદનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.ત્યારે સ્કુલનાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત પણ આવડતુ નથી, શાળાના વિદ્યાર્થીઓ રીસેસનાં સમયે કંમ્પાઉન્ડની બહાર રખડતા હોય છે.જેમાં ચોમાસાની સિઝનમાં છોકરાઓ નદી કિનારે બનાવેલ ડેમ પર રમતા હોય છે વગેરે મુદ્દાઓને લઇને તે દિવસે વાલી મિટીંગમાં ગામના આગેવાનોએ ભીસ્યા પ્રાથમિક શાળાનાં આચાર્યાને મૌખિક અને લેખિતમાં જાણ કરી જણાવ્યુ હતુ.ત્યારે આચાર્યા દ્વારા ગામના આગેવાનોને અપમાન જનક શબ્દ બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા.તેમજ આચાર્યાનાં પતિ રાજકીય વગ ધરાવતા હોવાથી સ્કુલ બાબતે કઈ પણ કહેવા જતા આચાર્યાબેન તરત તેમના પતિને જાણ કરી દેતા હોય છે. અને તેમના પતિ સ્કુલના સ્ટાફ તથા ગામના આગેવાનો પર ફોન કરીને ધમકાવે છે.આ અગાઉ પણ આચાર્યના પતિ દ્વારા ભીસ્યા ગામમાં આવીને ધમકીઓ આપવામાં આવી હતી.વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડતુ નથી. જેથી આ ગંભીર બાબત હોય જે બાબત શાળાના સ્ટાફ તથા આચાર્ય માટે ઘણી શરમ જનક કહી શકાય તેમ છે.વધુમાં એસ.એમ.સી. ના સભ્યોને પણ ખબર નથી કે તેઓ સભ્ય છે કે કેમ? કયારે મિટીંગ ભરાય છે અને સભ્યનો હેતુ શુ છે તેની પણ કંઈ ખબર નથી. જેથી એસ.એમ.સી.નાં સભ્યને અંધારામાં રાખીને કામ-કાજ કરતા હોય એવું જણાઈ રહ્યું છે.ત્યારે ભીસ્યા પ્રાથમિક શાળાના આચાર્યાને તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવે જેથી સ્કુલનાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં સુધારો થઈ શકે એવી માંગ સાથે વાલીઓ તથા એસ.એમ.સી કમિટીના સભ્યોએ તા.21/08/2024ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જે બાદ તા.29/08/2024નાં રોજ પંચ રોજ કામમાં વાલીઓ તથા એસ.એમ.સી. ના સભ્યોનું નિવેદન લેવામાં આવ્યુ હતુ.જેમાં તેમને આચાર્યાની તત્કાલિક બદલી કરવા તથા બે થી ત્રણ પુરુષ શિક્ષકોની નિમણૂક કરવા રજૂઆત કરી હતી.જોકે આટલા દિવસ વીત્યા હોવા છતાં પણ આજ દિન સુધી આચાર્યની બદલી કરવામાં આવેલ નથી કે નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.ત્યારે સ્થાનિકો એ બુધવારના રોજ શાળાની તાળા બંધી કરી હતી.જે બાદ વહીવટી તંત્ર દોડતુ થયુ હતુ.ત્યારબાદ ડાંગ જિલ્લાનાં શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી,ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ બીબીબેન ચૌધરી,પી.આઈ. ડી. કે.ચૌધરી સહીતનાં પદાધિકારીઓ તથા અધિકારીઓ બપોરનાં સમયે ભીસ્યા ગામે ગ્રામજનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા.અહી ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા આવતીકાલ સુધીમાં ગ્રામજનોને નવા આચાર્ય મૂકવાની બાંહેધરી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.અને ગ્રામજનોએ તાળા ખોલ્યા હતા તથા વિદ્યાર્થીઓ ભણવા માટે બેઠા હતા.