રાજ્યમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી

Contact News Publisher

પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે યોજી અગત્યની સમીક્ષા બેઠક

વરસાદને પગલે જિલ્લાના જનજીવનને થયેલી અસરની જાતમાહિતી મેળવતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ 

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહ્યા ઉપસ્થિત

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) ; તા: ૨૮; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ, જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજી, જનજીવનને થયેલી અસરોની જાણકારી મેળવી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક અગત્યની બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી સુક્ષ્મ વિગતો મેળવતા પ્રભારી મત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ, વરસાદને કારણે પોતાના જાનમાલનું નુકશાન વેઠનાર પ્રજાજનોના કેસમાં, માનવીય અભિગમ સાથે સર્વે અને સહાય ચુકવણી જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી.

રાજ્ય સરકાર માનવ જીવન બચાવવાને ખુબ પ્રાધાન્ય આપે છે તે વાત દોહરાવતા મંત્રીશ્રીએ, અસરગ્રસ્ત પરિવારોની પડખે રહી, વહીવટી પ્રક્રિયાની ઝડપી કાર્યવાહીની પણ તાકીદ કરી હતી.

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ગત સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદની વિગતો મેળવતા મંત્રીશ્રીએ જિલ્લામાં નોંધાયેલા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઈજા, સહાયની ચુકવણીની કાર્યવાહી, કાચા/પાકા મકાનોને થયેલું નુકશાન, ખેતીવાડી, વીજ કંપની, માર્ગ અને પુલો વિગેરે ક્ષેત્રે થયેલા નુકશાનીની વિગતો મેળવી, સંબંધિત વિભાગના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દરમિયાન જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સહીત આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ, કર્મચારીઓ અને દવાના જથ્થાની વિગતો મેળવી, આપાતકાલીન સ્થિતિમાં સૌને પોતાની ફરજ ઉપર સતત હાજર રહેવાની તાકીદ કરી હતી. જિલ્લાની શૈક્ષણિક સસ્થાઓ, આંગણવાડી કેન્દ્રોની સાંપ્રત સ્થિતિ સહીત પરિવહન સેવાઓની વિગતો પણ મંત્રીશ્રીએ મેળવી, સ્થાનિક પરિસ્થિતિ અનુસાર જોખમ રહિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાની સુચના આપી હતી. જિલ્લાના ડુબાણવાળા માર્ગો, પુલો, ચેકડેમ, કોઝ વે ઉપરથી પ્રજાજનોનું આવાગમન રોકવા માટે જરૂરી બંદોબસ્ત જાળવવાની પણ મંત્રીશ્રીએ સુચના આપી હતી.

ચર્ચામાં ભાગ લેતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે સ્થાનિક પ્રજાપ્રશ્નો, અને રજુઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે તેના નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની સુચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, સહીત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન સહિતના સામાજિક અગ્રણીઓ વિગેરેએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.

ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લાની સમગ્રતયા સ્થિતિ, પરિસ્થિતિથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારીએ જિલ્લાની પુરક વિગતો રજુ કરી હતી. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *