કોરોનાને પ્રજા, પ્રશાસન અને સરકાર સૌ સાથે મળીને હરાવીએ – વનમંત્રી ગણપતસિંહ વસાવા
ઉચ્છલ તાલુકાના ઉચ્છલ, ભાડભૂંજા તથા સુંદરપુર ગામે વિધવા બહેનોને કીટ વિતરણ કરતા વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
સૌના સહિયારા પ્રયાસોથી તાપી જિલ્લાને “કોરોના” મુક્ત બનાવવા માટે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાનો અનુરોધ :
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૯: વિશ્વની સરખામણીએ ભારત દેશમાં “કોરોના” સંદર્ભે ખૂબ જ સારી પરિસ્થિતિ છે તેમ જણાવતા ગુજરાતના વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આગોતરા પગલાઓને કારણે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ કન્ટ્રોલમાં રહેવા પામી છે તેમ જણાવ્યું હતું.
પ્રજા, પ્રશાસન અને સરકારના સહિયારા પ્રયાસોથી “કોરોના”ને દેશવટો આપવાની હાંકલ કરતા મંત્રી શ્રી વસાવાએ “કોરોના” થી ડરવા કરતા સાવચેત રહેવાની વધુ જરૂર છે તેમ જણાવી, રાજ્ય સરકારે “કોરોના” સંદર્ભે હાથ ધરેલા પગલાંઓની વિગતો આપી હતી. સૌના સહિયારા પ્રયાસોથી તાપી જિલ્લાને “કોરોના”મુક્ત બનાવવા માટે “લોકડાઉન”નો સંપૂર્ણપણે અમલ કરવાની અપીલ પણ મંત્રી શ્રી વસાવાએ આ વેળા કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક સંગઠનના સહયોગથી જિલ્લાની વિધવા બહેનોને, આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે રાશનની કીટ અર્પણ કરવામા આવી રહી છે, જે વહીવટી તંત્રની સંવેદનશીલતા બતાવે છે તેમ જણાવતા મંત્રીશ્રીએ સૌને ઘરમાં રહીને, સુરક્ષિત રહેવાનો પણ અનુરોધ કર્યો હતો.
શ્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા “લોકડાઉન” ના કપરા સમયમાં પ્રજાજનોને અપાયેલી રાહતોની વિગતો આપી, સૌને સોશિયલ ડિસ્ટનસિંગ સાથે આગામી સમયમા પણ ચોકસાઈ રાખવાનો અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લામાં “કોરોના”ને કન્ટ્રોલમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્રે લીધેલા પગલાંઓ બાબતે અભિનંદન પાઠવતા મંત્રી શ્રી વસાવાએ આગામી દિવસોમાં પણ, જિલ્લાના પ્રજાજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના તાલુકા મથક ઉચ્છલ સહિત ભાડભૂંજા અને સુંદરપુર ગામે લાભાર્થી બહેનોને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રાશન ની કીટ અર્પણ કરી હતી.
આ ગામોમાં ઉપસ્થિત ગ્રામીણજનોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલએ “કોરોના” સામે લેવાના રક્ષણાત્મક પગલાઓ વિશેની સમજ આપી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર શ્રી જયરામભાઈ ગામીત સહિત સ્થાનિક પદાધિકારીઓ, કલેકટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંધ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એ.ચૌધરી, ડી.સી.એફ. શ્રી આનંદ કુમાર, તકેદારી અધિકારી શ્રી એચ.એલ.ગામીત સહીતના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
–