ઉત્તર ડાંગ વન વિભાગે લાકડાં ચોરોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા. ૨૭: ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ, શિંગાણા રેંજના ફોરેસ્ટકર્મીઓએ વન વિભાગમાંથી લાકડાં ચોરી જનાર ઇસમોને ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગ તરફથી મળેલ વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ શિંગાણા રેંજ ફોરેસ્ટ વિભાગનાકર્મીઓને મળેલ બાતમી અનુસાર, તારીખ ૨૭ મી ઓગસ્ટના રોજ વહેલી સવારે સુબીર તાલુકાના કડમાળ ગામ પાસે રવિન્દ્રભાઇ જયરામભાઇ ગાવિત, અજિતભાઇ મગનભાઇ કાગડે, શાંતારામભાઇ કાકડ્યાભાઈ પવાર, ફુલ્સિંગભાઇ ગોંદિયાભાઇ પવારને તેઓની ટવેરા ગાડી નંબર GJ-05-CM-8014 માં, ૨૭ નંગ ખેરના લાકડાં (કિંમત ૧૬ થી ૨૦ હજાર) સાથે ઝડપી લીધા હતા.
લાકડાં ચોરી કરનાર આરોપીઓએ ગુનાની કબુલાત કરતાં, તેઓની સામે ગુનાની ડિપોઝિટ સ્વરૂપે ૬૦ હજાર રૂપિયાની વસુલાત કરી જામીન શરતે મુક્ત કરવામાં આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, લાકડાં ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવાં વન વિભાગ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં આંતર રાજ્ય બોર્ડર પર વનકર્મીઓ દ્વારા, ગેરકાયદેસર લાકડા વાહતુક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
–