પીએમ જનમન અભિયાન અંતર્ગત તાપી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાભ વિતરણ અને જનજાગૃતિ કેમ્પો યોજાયા
તાપી જિલ્લો -PM-JANMAN કાર્યક્રમ ફેઝ-૨
–
તાપી જિલ્લામાં વસતા આદિમજુથના નાગરિકોને બીજા તબકાના PM-JANMAN અભિયાન અંગે જાગૃત કરાયા
–
સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર આદિમજુથ કુટુંબોના ઘર આંગણે પહોચ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩ દેશના પ્રધાનંત્રીશ્રી દ્વારા ગત તા.૧૫ મી નવેમ્બર, ૨૦૨૩ ના રોજથી PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) જાહેર કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા, તારીખ ૨૩મી ઓગસ્ટ-૨૦૨૪ થી તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી, બીજા તબાકાના PM-JANMAN મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી એટલે કે ૨૩મી ઓગસ્ટથી ગ્રામપંચાયત કક્ષાએ પીએમજનમન અભિયાન અંતર્ગત યોજનાકિય લાભોથી વંચિત લાભાર્થીઓ માટે જનજાગૃતિ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
પ્રધાન મંત્રી જનમન અભિયાન અંતર્ગત આજે તાપી જિલ્લામાં PM-JANMAN કેમ્પ હેઠળ ઉચ્છલ તાલુકાના ભીતભુદ્રક અને ભીતખુર્દ ગૃપ ગ્રામ પંચાયત ખાતે, કુકરમુંડાના ચોખીઆંમલી ગ્રામપંચાયત,નિઝરના સાયલા ગૃપ ગ્રામપંચાયત(રૂમકીતળાવ)ખાતે,સોનગઢના મોટીખેરવણ અને પીપળકુવા ગૃપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ ગામોના આદિમજુથના નાગરિકોને યોજનાકીય માહિતી આપી જાગૃત કરવાની સાથે વિવિધ યોજનાઓના લાભોથી લાભાન્વીત કરવામાં આવ્યા હતા.
નોધનીય છે કે આગામી ૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી આદિમજુથ સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃ વંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય એવા આદિમજૂથના તમામ લોકોને, જે તે ખાતાની કચેરીઓ દ્વારા લાભાન્વિત કરવામાં આવનાર છે.
0000