વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં વ્યારા તાલુકા કક્ષાનાં યુવા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળામાં તા.23/08/2024 ને શુક્રવારના રોજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા, પનિયારીના સહયોગથી વ્યારા તાલુકા કક્ષા યુવા ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી અ.અ.વ્યા.પ્ર.વિ. પ્ર. ના મંત્રી માન.શ્રી નિખિલભાઈ આર શાહ, અતિથિ વિશેષ તરીકે સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ પી. કોઠારી તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી માન.શ્રી વિરલભાઈ ચૌધરી મંચસ્થ થયા હતા.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની ઉપાસના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાની બાળાઓએ સ્વાગત નૃત્ય રજુ કર્યું. શાળાના આચાર્યશ્રી જય ડી. વ્યાસ દ્વારા મંચસ્થ મહાનુભવો તથા ઉપસ્થિત સૌને ઉષ્માભર્યો આવકાર શાબ્દિક પ્રવચન દ્વારા આપવામાં આવ્યો. એમા આચાર્યશ્રી એ સંત વિનોબા ભાવેના કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ સાથેના એક પ્રસંગનો ઉલ્લેખ કરી ભારતના નકશાનું ઉદાહરણ આપી જો આપણે દેશને જોડવો હોય તો પહેલા લોકોને જોડવા પડશે. લોકો જોડાશે તો દેશ આપોઆપ જોડાય જશે. અર્થાત વ્યક્તિ નિર્માણથી જ દેશનું નિર્માણ થશેના પ્રસંગ દ્વારા શાળામાં વ્યક્તિ નિર્માણના કાર્યક્રમને પ્રાપ્ત કરવાની ખુશી વ્યક્ત કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી વિરલભાઈ ચૌધરી એ સૌને તાલુકા, જિલ્લા અને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવાની શુભેચ્છા વ્યક્ત કરી વક્તવ્યને વિરામ આપેલ.
સંસ્થાના મંત્રી મા.શ્રી નિખિલભાઈ શાહે સૌ સ્પર્ધકોને ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને ખૂબ પ્રગતિના પંથે આગળ ધપવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. શાળાના શિક્ષિકા શ્રીમતી રોહિણીબેન ચૌધરીએ ઉપસ્થિત સૌ નિર્ણાયકશ્રીઓ, વિવિધશાળામાંથી ઉપસ્થિત થયેલ આચાર્યશ્રીઓ તથા સૌ સ્પર્ધકોનો દરેક નાના-મોટા કાર્યમાં ભૂમિકા ભજવનાર સેવક ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળામાં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યારા તાલુકાની વિવિધ શાળા તથા કોલેજમાંથી કુલ અંદાજિત 180 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને કુલ 19 કૃતિઓ રજુ કરવામાં આવી હતી તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 34 જેટલા શિક્ષકશ્રીઓએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
શાળાના સૌ શિક્ષકશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી કાર્યક્રમને ઉત્સાહભેર સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્પિતાબેન પંચાલે કર્યું હતુ.