ઓલપાડની કરંજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનાં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર દેશ તેનો 78 મો સ્વતંત્રતા દિવસ ‘વિકસીત ભારત’ ની થીમ ઉપર ઉજવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકવા સાથે ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની કરંજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
ઓલપાડનાં મામલતદાર એલ.આર.ચૌધરીનાં હસ્તે શાળા પટાંગણમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા જિજ્ઞેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કરિશ્માબેન રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય દિપેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, માજી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ગામનાં સરપંચ રાગિણીબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, પોલીસ જવાનો, હોમગાર્ડ યુનિટ, એન.ડી.આર.એફ. ટીમ ઉપરાંત આજુબાજુનાં ગામનાં અગ્રણીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, તાલુકાની તમામ સરકારી કચેરીનાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી હતી.
આ પ્રસંગે ધ્વજારોહક એવાં ઓલપાડનાં મામલતદાર એલ.આર.ચૌધરીએ દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણ વિશે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેમણે સૌને દેશ માટે કંઈક કરી છૂટવા અનુરોધ કર્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રતિભાશાળી શિક્ષક ભાઈ-બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. દેશનાં આ 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીનાં ભાગરૂપે અત્રે યોજાયેલ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમે દરેકનાં હૃદયમાં દેશભક્તિની જ્વાળા પ્રગટાવી હતી. અંતમાં દેશની આઝાદી માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાનાં ભાવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.