કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આઈ.ટી.આઈ. કુકરમુંડાનું ઇ-લોકાર્પણ કર્યું
કૌશલ્યયુક્ત યુવાનો નવા રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે – રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩ :- શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને તાપી જિલ્લામાં અંદાજિત રૂ. ૦૯ કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આદિજાતિ વિકાસ તેમજ શ્રમ, કૌશલ્ય, ગ્રામ વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કુકરમુંડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજી, સુવિધાયુક્ત, સ્કોલરશીપ, પાસ સહિતની અનેક સુવિધાઓ મળી રહી છે. વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન તાલીમો આપીને દેશ મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. કૌશલ્યયુક્ત યુવાનો નવા રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રોજગારીમાં નંબર ૧ રાજ્ય તરફ અગ્રેસર બની રહ્યું છે.
નવતર અને પરિણામલક્ષી પ્રયાસોના ફળસ્વરૂપે કુશળ માનવબળ તૈયાર કરવા અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. કૌશલ્યયુક્ત તાલીમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અવશ્ય રોજગાર ઉપલબ્ધ થશે. ગુજરાત અને ભારત દેશમાં ઉદ્યોગકારો રોકાણ કરી રહ્યાં છે જેનો લાભ યુવાનોને મળશે. વધુમાં મંત્રીશ્રીએ સમયાંતરે યોજાતા રોજગાર મેળાનો લાભ લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રી જયરામ ગામીતે જણાવ્યું કે, સરકારે સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન પુરુ પાડવા માટે કુકરમુંડા આઈ.ટી.આઈ. ખાતે ૨૭૬ બેઠકોમાં વધારો કરીને કુલ ૪૩૬ કરી છે, ત્યારે આદિવાસી સમુદાયના યુવાનો પણ આઈ.ટી.આઈ માં રોજગારલક્ષી તાલીમ મેળવીને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે છે.
નોધનિય છે કે, આ નવા બિલ્ડિંગના નિર્માણથી તાલીમાર્થીઓને સ્થાનિક સ્તરે જ કૌશલ્ય સભર તાલીમ મેળવી સર્વાંગી વિકાસ સાધી શકાશે. આ નવા મકાનમાં શ્રેષ્ઠ અને આધુનિક સાધનો તથા વર્કશોપ ઉપલબ્ધ કરવામાં આવશે. જે તાલીમાર્થીઓને વ્યાવસાયિક પદ્ધતિઓ અને તકનીકીઓમાં પારંગત બનાવશે. આ નવું બિલ્ડિંગ અને તેમાં
અદ્યતન સુવિધાઓ સાથે આઇ.ટી.આઇ.નું નવનિર્મિત બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓ આ વિસ્તારના કૌશલ્ય વિકાસ માટે નવા દ્વાર ખોલશે. સ્થાનીક વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમં લઈ સીવણ બ્યુટીપાર્લર, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, બાંધકામ, ઓટોમોબાઈલ, ફેબ્રિકેશન, પ્લમ્બર વગેરે વિવિધ ક્ષેત્રોમાં દર વર્ષે ૩૦૦ થી ૪૦૦ તાલીમાર્થીઓ કુશળ તાલીમ મેળવી રોજગારી તેમજ સ્વરોજગારી મેળવી રાજ્ય કે રાષ્ટ્રના વિકાસમાં “સોશિયલ ઇકોનોમિક ડેવલપર ” બની નોંધપાત્ર ફાળો આપી શકશે.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, નાયબ નિયામકશ્રી તાલીમ રોજગાર પ્રાદેશિક કચેરી સુરત શ્રીમતી એ. પી. પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા-તાલુકાના અધિકારી-કર્મીઓ, ગ્રામજનો, આઈટીઆઈના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000