રુચિત પટેલે અમેરીકાની ધરતી પર રમી ક્રિકેટ ક્ષેત્રે માદરેવતન સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલનાં કોચ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ જે. પટેલ (ગામ સ્યાદલા) નાં સુપુત્ર રુચિત પટેલે અમેરીકાની ધરતી પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
અમેરિકાનાં એટલાન્ટા સ્ટેટમાં વસતાં ગુજરાતનાં ચરોતરીયા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા એક સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલાન્ટા સીટી ખાતે કરવામાં આવ્યું હતું. સદર ટુર્નામેન્ટમાં જુદાજુદા સ્ટેટની કુલ 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ એટલાન્ટા પરમવીર અને વર્જીનીયા વચ્ચે રમાઈ હતી. એટલાન્ટા પરમવીર ટીમે પ્રથમ પ્રથમ દાવ લઈ 20 ઓવરમાં 156 રન નોંધાવ્યા હતાં. ટાર્ગેટનો પીછો કરતાં વર્જીનીયાની ટીમ માત્ર 67 રનમાં જ સમેટાઇ ગઈ હતી. આમ, એટલાન્ટા પરમવીર ટીમનો 90 રને ભવ્ય વિજય થયો હતો. આ ફાઈનલ મેચમાં પોતાનાં કાંડાનું કૌવત દેખાડી ક્રિકેટ ક્ષેત્રે એક ઉભરતાં ખેલાડીની છાપ ઉભી કરનાર રુચિત પટેલે 45 બોલમાં 60 રન ફટકારી મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેમની જ ટીમનાં નીલકંઠ પટેલ બેસ્ટ બોલર જાહેર થયાં હતાં.
એટલાન્ટા પરમવીર ટીમને ચેમ્પિયન બનાવવા સ્યાદલા ગામનાં યુવા ક્રિકેટર્સ રુચિત પટેલ, નીલકંઠ પટેલ તથા નીલકંઠ પટેલ સિંહફાળો રહ્યો હતો. આ ગૌરવવંતા સમાચારને પગલે તેમનાં માદરેવતન સ્યાદલા ગામ સહિત સમગ્ર ઓલપાડ પંથકમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતાં આ ખેલાડીઓની ઉત્તરોત્તર પ્રગતિ માટે કીમ, સાયણ તથા કામરેજ વિભાગનાં ક્રિકેટપ્રેમીઓ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદેદારો ઉપરાંત શિક્ષકગણે તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.