‘જય જોહાર…’ના નારાથી ગુંજી ઉઠ્યો ડાંગ જિલ્લો, પારંપારિક વસ્ત્રોમાં વિશ્વ આદિવાસી દિવસની વઘઇ ખાતે ભવ્ય ઉજવણી કરાઇ
રાજકીય પક્ષોના અગ્રણીઓ, વિવિધ સંગઠનો જોડાયા, ટીમલીના તાલે આદિવાસીઓ ઝૂમ્યા
વઘઇના મુખ્ય બજારમાં તીરકામઠા સાથે કરેલું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે ૦૯ ઓગસ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના ગાંધી બાગ ખાતે આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં આદિવાસી બંધુઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન, વાદ્યો અને નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગાંધી બાગથી પગપાળા સાથે વાજિંત્રો, ટેબ્લો, નૃત્યો, બેન્ડ પાર્ટી સાથે રેલી નીકળી બજાર થઈ તાલુકા સેવા સદન થઈ દૂધશીત કેદ્રથી કાર્યક્રમ પુર્ણ થયો હતો. આદિવાસી દિવસની ઉજવણીને લઈ વઘઇ મેઈન બજારમાં વેપારી એસોસીએશને આદિવાસી સમાજના આગેવાનોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.વઘઇ ખાતેના કાર્યક્રમમાં તાલુકા તથા ગામોના આદિવાસી ભાઈ બહેનો તેમજ સર્વ ધર્મ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાન રિતેશ પટેલ, ભગુભાઈ રાઉત,વિજય થોરાટ,નિલેશ ગાવિત, અલ્પેશ રાઠોડ, જિજ્ઞેશ પટેલ, રાજુભાઈ, ગણેશભાઈ સહિત આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ આંબાપાડાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વઘઇ તાલુકા આદિવાસી સમાજ દ્વારા નીકળેલ રેલીમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઇ પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, ડાંગ ભાજપ સંગઠનના પ્રમુખ કિશોરભાઈ ગાવિત,આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, ભાજપ સંગઠનના મહામંત્રી દિનેશભાઇ ભોયે સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.