દમણનાં શિક્ષક કવિ વિરેન્દ્ર પટેલને મળ્યો વાવ વિંગ્સ ફોર ડ્રીમ એવોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વાવ વિંગ્સ ફોર ડ્રીમ, અડાજણ સુરત દ્વારા તાજેતરમાં ઓપન માઇક એન્ડ એવોર્ડ સેરેમનીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ સેરેમનીમાં કવિતા, ગઝલ, સ્ટેન્ડ અપ સંગીત, મ્યુઝિક, ડાન્સ તેમજ સિંગીંગ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દમણ સ્થિત સરકારી પ્રાથમિક શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય વિરેન્દ્રભાઈ એસ. પટેલ કે જેઓ વર્ષ 2019 માં દેશનો સર્વોચ્ચ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દેશનાં રાષ્ટ્રપતિનાં હસ્તે મેળવી સન્માનિત થઈ ચૂક્યા છે તેઓએ હાલમાં કાવ્યલેખન તરફ પોતાની રુચિ અને લેખન પ્રતિભાને ઉજાગર કરી દમણનાં દરિયા વિશે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી “દમણનો દરિયો” કાવ્યની રચના કરી હતી.
શિક્ષક કવિ એવાં વિરેન્દ્રભાઈ પટેલની આ બહુમૂલ્ય ઉપલબ્ધિ બદલ તેઓને વાવ વિંગ્સ ફોર ડ્રીમનાં સ્થાપક અને આયોજક શ્રીમતી પ્રીતિબેન બોકડિયા (જૈન) દ્વારા આયોજીત એવોર્ડ સેરેમનીમાં શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત હિન્દી ટીવી સીરિયલ સાથ નિભાના સાથીયાનાં કલાકાર દિપક વાઘેલાનાં હસ્તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.