બારડોલીનાં બાબેન સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ 1 અને 2 માટે નવી શિક્ષણ નીતિ આધારિત જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
અધ્યયન સંપૂટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગે તાલુકા કક્ષાએ યોજાનાર તાલીમ અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2 માં નવી શિક્ષણ નીતિ અને NCF-SCF આધારે નવા અધ્યયન સંપૂટ તૈયાર કરવામાં આવેલ છે. આ અધ્યયન સંપૂટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગે જિલ્લાનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે દરેક તાલુકામાં માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવાં માટેની ત્રિદિવસીય તાલીમ બારડોલી તાલુકાનાં બાબેન ગામ સ્થિત આદર્શ વિદ્યાલય ખાતે યોજવામાં આવી હતી.
સમગ્ર શિક્ષા ગાંધીનગર, ગુજરાતની પ્રેરણા અને સમગ્ર શિક્ષા, સુરત દ્વારા યોજાયેલ આ તાલીમવર્ગમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 78 જેટલાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તાલીમાર્થીઓ પોતાનાં તાલુકામાં ધોરણ 1 અને 2 નાં શિક્ષકોને તાલીમ આપવાનું કાર્ય કરશે. આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં NCF-SCF, અધ્યયન નિષ્પતિ, જાદૂઈ પિટારા, કાર્યપ્રણાલી, અધ્યયન સંપૂટ, પ્રગતિ રજીસ્ટર, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે સમગ્ર શિક્ષા, ગાંધીનગરથી રાજ્યનાં કી રિસોર્સ પર્સન રમેશભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. સદર તાલીમવર્ગમાં ઓલપાડનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ચોર્યાસીનાં બીઆરસી કો-ઓર્ડિનેટર પરેશ ટંડેલ, ઉમરપાડાનાં બીઆરસી કો-ઓર્ડિનેટર અલ્પેશ પંચાલ સહિત બીઆરપી મુકુન્દ પરમાર, ધવલ ચૌહાણ, પ્રજ્ઞેશ સોલંકીએ તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન QEM કો-ઓર્ડિનેટર નારણ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.