ઉકાઈ ખાતે તાપી મૈયાના જન્મ જયંતિની ઉજવણી કરાઈ
તાપી માતાના પ્રાગટ્ય દિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે ઉકાઈ ડેમ તાપી માતાની પૂજા-અર્ચના ખાતે કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩- ભારત દેશની સંસ્કૃતિમાં નદીનું મહાત્મ્ય અનેરૂં છે. ગંગા, યમુના,સરસ્વતિ,નર્મદા,તાપી જેવી તમામ નદીઓના કિનારે મૂલ્યવાન સંસ્કૃતિઓનો વિકાસ થયો છે. આપણાં ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં નદીઓનું સ્થાનને દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી જ નદીઓને માતા તરીકેનું બિરૂદ ભારત દેશમાં આપવામાં આવ્યું છે.
અષાઢ સુદ સાતમ એ તાપી માતાનો જન્મ દિવસ છે. પૂણ્ય સલીલા તાપી માતાની ઉત્પત્તિ કરોડો વર્ષ જુની હોવાની માન્યતા છે. તેમજ તાપી નદીના સ્મરણ માત્રથી જ પાવન બની શકાય છે. તાપી નદીને પુરાણોમાં સૂર્યપૂત્રી તરીકે માનવામાં આવે છે. તાપી નદીના નામ ઉપરથી જ તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આબાદીનું મુખ્ય કારણ તાપી નદી છે. તાપી નદી ઉપર બાંધવામાં આવેલો ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી કહી શકાય.
તાપી મૈયાના જન્મ દિવસની ઊજવણી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ,ક્લાઈમેટ ચેન્જ,જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી અને તાપી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે,ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર ખેડૂતો માટે લાભદાયી એવો ઉકાઈ ડેમ તાપી નદીના કારણે પ્રખ્યાત બન્યો છે. ત્યારે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે તાપી નદીની પૂજા-અર્ચના કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ડેમ પુરેપૂરો ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ વરસાદની શરૂઆત થઈ છે. આવનારા દિવસોમાં ડેમ છલોછલ ભરાઈ જાય તેવી માં તાપીને પ્રાર્થના કરીએ છીએ.સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો બારેમાસ દરમિયાન ખેતી કરીને હરિયાળી ખેતી કરતા રહે, ખેડૂતોની સમૃધ્ધિ વધે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરશ્રી એસ.બી.દેશમુખ,ઉકાઈ સર્કલના અધિક્ષક ઈજનેર એ.આર.પટેલ, સિંચાઈ વિભાગ નવસારી ના કાર્યપાલક ઈજનેરશ્રી એન.સી.પટેલ,નાયબ કાર્યપાલક ઈજનેર-વલસાડ દિપકભાઈ પટેલ, પિયત મંડળી,ફેડરેશન પ્રમુખ, મયંકભાઈ જોશી,રાકેશભાઈ કાચવાલા સહિત પદાધિકારીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦