ડાંગ જિલ્લામાં ‘શાળા પ્રવેશોત્સવ’ સાથે નાનાં ભુલકાંઓને પણ આંગણવાડીમાં પ્રવેશ અપાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૯: ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ ૪૪૨ આંગણવાડીઓમાં, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૬/૬/૨૦૨૪ થી તા. ૨૮/૬/૨૦૨૪ દરમ્યાન, રાજ્ય સમસ્તની જેમ બાળકોને શાળા પ્રવેશોત્સવની સાથે સાથે, મહાનુભાવોના હસ્તે આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આંગણવાડીમાં ભૂલકાઓને હુફાળો આવકાર મળે, આંગણવાડી પ્રત્યે તેમની લાગણી વધે, બાળકો આંગણવાડીમાં ઉત્સાહપુર્વક આવતા થાય તે ઉદ્દેશ સાથે, ગત તા. ૧૦/૬/૨૦૨૪ થી જ આંગણવાડી પ્રવેશોત્સવ અંગે ગામના સ્થાનિક લોકો માહિતગાર થાય, વાલીઓમાં જાગ્રુતિ આવે તે બાબતે, આઈ.સી.ડી.એસ શાખા અને આંગણવાડી કાર્યકરો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગનાં આયોજન મુજબ પેમ્પલેટ અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી, આઈ.ઈ.સી. એકિટવિટી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવવા તા. ૨૬/૬/૨૦૨૪ નાં રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા બીલીઆંબા ગામની આંગણવાડી ના ૩ બાળકોને ગણવેશ, રમત ગમત ભાગ-૧ , ચિત્રપોથી , બ્લોક કીટ, અને સુખડી સાથે આશીર્વાદ પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વેળા તેમણે આંગણવાડીની મુલાકાત લઈ પી.એસ.ઈ. કોર્નરનું નિરિક્ષણ કરી બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ સાથે તા. ૨૬/૬/૨૦૨૪ થી તા. ૨૮/૬/૨૦૨૪ દરમિયાન, ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ગાંધીનગરથી પધારેલા ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ નિયામક (નાંણા) શ્રી કે.એચ.ગામિત, સ્થાનિક પદાધિકારીઓ, ડાંગ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાનાં વર્ગ -૧ અને ૨ ના અધિકારીઓ દ્વારા, આહવા તાલુકાના ૩૧૨, સુબીરના ૩૨૨, અને વઘઈ તાલુકાના ૧૭૪ મળી કુલ ૮૦૮ બાળકોને આંગણવાડીમાં ગણવેશ આપી પ્રવેશ કરાવ્યો હતો.

બાળકોને આંગણવાડીમાં પ્રવેશ સમયે ક્યાંક મોટર સાયકલ તો ક્યાંક બળદ ગાડા વિગેરે વાહનો શણગારી, એમાં બાળકોને બેસાડી ઉત્સાહભેર આંગણવાડી અને શાળામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને કુમ કુમ તિલક અને કુમ કુમ પગલા સાથે આંગણવાડી માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. બાળકોનાં હસ્તે આંગણવાડીમાં વૃક્ષારોપણ પણ કરાવવામાં આવ્યુ હતું.

દરમિયાન દાતા શ્રી અલ્પેશ્ભાઈ એન.પવાર તરફથી વઘઈ તાલુકાની ઝાવડા સેજાની આંગણવાડીના બાળકોને ૧૧ જોડી યુનિફોર્મ, તેમજ મિનાલીબેન જગદીશભાઈ પટેલ તરફ થી ૫૦ કંપાસ બોક્ષ આપવામાં આવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other