અખંડ સૌભાગ્યવતી : મહિલાઓ દ્વારા ઉપવાસ કરી વડની સુતરનાં દોરા વડે પ્રદક્ષિણા ફરી પૂજા અર્ચના કરી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પતિનાં દીર્ઘાયુષ્ય માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પરણિત મહિલાઓ વટસાવિત્રીનું વ્રત કરતી હોય છે. તે મુજબ આજરોજ ઓલપાડ પંથકમાં ઠેર ઠેર વડનાં ફેરા અને પૂજન સાથે ગૃહિણીઓએ વટસાવિત્રીનું વ્રત કર્યું હતું.
લોકવાયકા મુજબ સાવિત્રીએ પતિ સત્યવાનને યમરાજાનાં પાશમાંથી મુકત કરાવ્યા હતાં અને ત્યાંથી વટસાવિત્રીનું વ્રત પ્રચલિત થયું છે. ઓલપાડ પંથકમાં ગામેગામ ઘટાદાર વડનાં વૃક્ષનાં ફેરા ફરી ગૃહિણીઓએ પોતાનાં પતિનાં દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. એક માન્યતા અનુસાર કહેવાયું છે કે વડનાં વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. બ્રહ્મા અને સાવિત્રીજી સાક્ષાત બિરાજમાન હોય છે. જેમને પ્રસન્ન કરવા ગૃહિણીઓ સૌભાગ્ય વ્રત કરતી હોય છે. પરંપરાગત પૂજા અર્થે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી લાઇનો જોવા મળી રહી હતી. મહિલાઓ દ્વારા ઉપવાસ કરી વડની સુતરનાં દોરા વડે પ્રદક્ષિણા કર્યા બાદ ઉપસ્થિત બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)