તાપી કલેકટરનો નવતર પ્રયોગ : ઈન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી COVID-19 ના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો અભિગમ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૦: “કોરોના”ને કારણે સર્જાયેલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત લોકોને ઈન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી મદદરૂપ થવાનો નવતર પ્રયોગ તાપી જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી એ અમલમાં મુક્યો છે.

તાપી કલેક્ટરશ્રી દ્વારા તૈયાર કરાયેલી વેબસાઈટ https://www.tapi.merabox.in ઉપર જિલ્લાના પ્રજાજનોને જો કોઈ મદદની જરૂર હોય તો તે વિના સંકોચે તેની જરૂરિયાતની જાણકારી અહીંયા આપી શકે છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારી સુધી મદદ માટેની પહોંચેલી આ ગુહાર, તુરત જ ધ્યાન પર લઈને તેનો અમલ કરવામાં આવે છે. સાથે સાથે મદદ માગનાર વ્યક્તિની વિગતો ખાનગી રાખવામાં આવે છે.

વેબસાઈટ https://www.tapi.merabox.in ની વિગતો જોઈએ તો આ વેબસાઈટ ઓપન કરતા જ, યુઝર્સને ચાર ઓપશન્સ જોવા મળે છે. જે મુજબ પ્રથમ ઓપશન્સ ‘શુ મદદ જોઈએ છે ?” એ ઓપશન મદદ મેળવવા ઈચ્છતી વ્યક્તિ પસંદ કરે એટલે બેઝિક માહિતી જેવી કે નામ, મોબાઈલ નંબર, સરનામું વિગેરે એન્ટર કરી તાલુકો પસંદ કરવાનો રહે છે. ત્યારબાદ તમને જોઈતી મદદનું ઓપશન્સ આવે છે. જેમા તમે માસ્ક, બેન્કિંગ સેવા, દવા, શાકભાજી, અનાજની કીટ કે ફૂડ પેકેટ વિગેરે સિલેક્ટ કરીને, અન્ય વિગતના બોક્સમાં કુટુંબના સભ્યોની સંખ્યા સહિતની જરૂરિયાત જણાવી શકો છો.

ત્યાર બાદ આધાર કાર્ડ અને રેશન કાર્ડના નમ્બરો એન્ટર કરી (જો કે એ ઓપશનલ છે) આ ફોર્મ સબમિટ કરતા, તમારી જરૂરિયાતની ડિમાન્ડ તંત્ર પાસે પહોંચી જશે. ત્યાર બાદ પ્રશાસનિક અધિકારીઓ ખૂબ જ સંવેદના સાથે આ વિગતો ના આધારે યુઝર્સને મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરશે.

આ વેબસાઈટ માં બીજું ઓપશન્સ છે “સેવા આપનાર” માનો કે કોઈ સેવાભાવી વ્યક્તિ “લોકડાઉન” દરમિયાન કોઈ પણ પ્રકારની સેવા આપવા માંગતી હોય તો તેણે અહીં, પોતાનું નામ, મોબાઈલ નંબર, સરનામું અને તમે શું સેવા આપી શકો છો તેની વિગતો જણાવવાની રહે છે.

ત્રીજી અને ચોથી કેટેગરીમાં એન.જી.ઓ. અને સ્વયંસેવકો લોગીન કરીને તેમની સેવા પ્રવૃત્તિઓ ની વિગતો નોંધાવી શકે છે.

“લોકડાઉન” જેવી સ્થિતિમા જરૂરિયાતમંદો માટે સેવા પ્રવૃત્તિ કરતી વિવિધ સેવાભાવી સંસ્થાઓ ની સેવાઓનું ડુપ્લિકેશન્સ ન થાય, અને એકને એક વિસ્તારના લાભાર્થીઓ સુધી જ આવી સેવાઓનો લાભ સીમિત ન રહેતા, તેનો વ્યાપ વધારી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે આ વેબસાઈટ લોન્ચ કરવામા આવી છે તેમ જણાવતા, કલેકટર શ્રી આર.જે.હાલાણીએ તાપી જિલ્લા વહીવટી તંત્રનો આ નવતર પ્રયોગ છે તેમ જણાવ્યું છે.

“લોકડાઉન”ના કપરા કાળ મા ખાસ કરીને મિડલ ક્લાસના પરિવારોને મદદરૂપ થઇ શકાય તે પણ આ વેબસાઈટનો ઉદ્દેશ્ય છે તેમ જણાવતા શ્રી હાલાણીએ, ઘણી વાર સામાજીક શરમ અને સંકોચના કારણે આવા પરિવારો દવા કે આવશ્યક ચીજવસ્તુઓ જેવી જરૂરી સામગ્રી વિના ખૂબ તકલીફ અનુભવતા હોય છે, ત્યારે તેવા પરિવારોની ઓળખ છતી ન થાય તેની કાળજી સાથે તેમને મદદરૂપ થવાનો આશય છે તેમ પણ તેમણે જણાવ્યું છે.

સાથે કોઈપણ સેવાભાવી વ્યક્તિઓ કે સંસ્થાઓ તેમની વિવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે વહીવટી તંત્રને મદદરૂપ થવા ઈચ્છતી હોય તો તેઓ પણ, ઘર બેઠા – સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઓનલાઈન તેમની વિગતો સબમિટ કરી શકે છે તેમ પણ શ્રી હાલાણીએ જણાવ્યું છે.

સાચે જ, તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીની આ નવતર પહેલ પૂ.બાપુના “વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે” ઉક્તિને સાર્થક કરે છે.

જિલ્લાના પ્રજાજનોને આ વેબસાઈટ https://www.tapi.merabox.in નો મોટા પ્રમાણમાં લાભ લેવાનો અનુરોધ કરતા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ વેબસાઈટના ઉપયોગ અંગે જો કોઈ મુશ્કેલી જણાઈ તો મામલતદાર શ્રી કિરણસિંહ રાણાનો મોબાઈલ નંબર 98796 08343 ઉપર સંપર્ક સાધવો તેમ પણ જણાવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *