તાપી જિલ્લામાં સરકારી કચેરીઓ સાથે કેટલીક સેવાઓ શરૂ
સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયત માપદંડોનું પાલન કરવાનું કલેક્ટરશ્રીની સૂચના
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૦: રાજ્ય સરકારશ્રીના દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓનો ૩૩ % કર્મચારીઓની હાજરી સાથે આજથી પ્રારંભ થયો છે, તેમ તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું છે.
રાજ્ય સરકારની સૂચના મુજબ સરકારી કચેરીઓ સહિત જે વેપાર ઉદ્યોગને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરતી પરવાનગી આપવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટનસિંગ, ફેસ માસ્કનો ઉપયોગ, સેનિટાઈશનિંગ જેવા મુદ્દે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સાથે, “લોકડાઉન” ના જાહેરનામાની કડક અમલવારી કરાશે તેમ પણ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
જિલ્લામાં ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે. સાથે આવશ્યક ચીજ વસ્તુઓ, સેવાઓને પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવી શ્રી હાલાણીએ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર સબસિડીની લાભ વેળાસર મળી રહે તેવા પ્રશાસન ના પ્રયાસો છે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં આજથી તમામ સરકારી કચેરીઓ નિયત કરાયેલા સીમિત સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી છે. સાથે ખેતી, પશુપાલન, અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓ, બેન્કિંગ સેવાઓ સહિત જે વેપાર/ઉધોગ ને શરતી પરવાનગી આપવામાં આવી છે, તેવા વેપાર ઉદ્યોગો એ તેમની કામગીરી નિયમોનુસાર શરૂ કરી છે.
–