જિલ્લાનાં બાળ સંભાળ ગૃહોના બાળકોને રૂ. ૧૫૦૦ ની સહાય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી-તાપી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપી દ્વારા જિલ્લાના ચિલ્ડ્રન હોમ-તાડકુવા(વ્યારા) માં રહેતા બાળકોની દરકાર કરી રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોના વાલીઓને આર્થિક મદદ પેટે રૂ.૧૫૦૦ ની સહાય સરકાર દ્વારા ચુકવણું કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લાના સરકારી ચિલ્ડ્રન હોમના કુલ-૨૬ બાળકોની કુલ રૂ. ૩૯૦૦૦/ – નું ચુકવણું કરવામાં આવ્યું.
તાપી જિલ્લાનાં સરકારી ચિલ્ડ્રન હોમમાં આશ્રય લઇ રહેલા બાળકોને લોકડાઉનની સ્થિતી પુરતા તેમનાં વાલીઓને સોંપવામાં આવ્યાં છે. સમાજના તમામ વર્ગોની દરકાર કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોના વાલીઓને એપ્રિલ-૨૦૨૦ માસમાં રૂ.૧૫૦૦/- સહાય પેટે ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ૧૫૦૦ રૂપિયાના સહાયના કારણે બાળકોને આર્થિક મદદ મળી રહેશે, જેના કારણે કોરોનાના સંકટમાં પણ બાળકોની સારી રીતે સાર સંભાળ થાય તેવા હેતુસર આ સહાય ચુકવવામાં આવેલ છે. કોરોનાના આ કપરા સમયમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.