ડાંગ જિલ્લામાં શાળાઓ શરૂ થતાની સાથે જ વિવાદ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ધો.1 થી 8નાં 225 જેટલા બાળકોને માત્ર બે જ વર્ગમાં અભ્યાસ કરાવતા વાલીઓ વિફર્યા.પેટા:-ડાંગ જિલ્લાનાં પીંપરી ગામે શિક્ષણની ગુલબાંગો પોકળ સાબિત થઈ, વનબાંધવોનાં ભવિષ્યનું પેઢી અદ્યતન સુવિધાઓ માટે વલખા મારવા મજબૂર બન્યુ છે. સાપુતારા 13-06-2024 ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પિંપરી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં માત્ર બે જ ઓરડાઓ હોય જે ઓરડાઓમાં ધો.1 થી 8નાં 225 જેટલા વિદ્યાર્થીઓને ખીંચો ખીંચ ભરીને અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારે હાલમાં નવા સત્રની શરૂઆત થતા જ બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી જાગૃત વાલીઓએ શાળાની તાળાબંધી કરી હતી. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તેમજ તુરંત જ નવા ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પિંપરી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં કેટલાક ઓરડાઓની હાલત જર્જરીત હતી. ત્યારે ગત વર્ષે કેટલાક જર્જરીત ઓરડાઓ તોડી નાખવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી નવા ઓરડાઓ બનાવવામાં આવેલ નથી. જેમાં કારણે હાલમાં ઓરડાઓની અપૂરતી સુવિધા જોવા મળી રહી છે. જે ઓરડાઓની અપૂરતી સુવિધાઓનાં પગલે માસુમ બાળકોનું શિક્ષણ દાવ પર લાગ્યુ છે. પિંપરી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 નો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે ધો. 1 થી 8નાં કુલ 225 જેટલા જેટલા વિધાર્થીઓ માટે હાલમાં માત્ર બે જ ઓરડાઓ છે. તેવામાં શિક્ષકો દ્વારા 225 જેટલા વિધાર્થીઓને ખીંચો ખીંચ ભરી દેવામાં આવતા હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓને પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ યોગ્ય રીતે નસીબ નથી થઈ રહ્યું તેવું જોવા મળી રહ્યું છે. પ્રાથમિક શાળામાં ઓરડાઓનો અભાવ હોવા છતાં પણ નવા ઓરડાઓ બનાવવા અંગેની કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી. જેને લઇને તા.03/06/2024 ના રોજ વાલીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જોકે ત્યારબાદ પણ ઓરડાઓની સુવિધા આપવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ 13 મીએ ગુજરાતભરની શાળાઓ શરૂ થતા ડાંગનાં પીંપરી ગામના સ્થાનિકો તથા વાલીઓએ સરકારી પ્રાથમિક શાળા ખાતે હલ્લાબોલ કર્યો હતો. અને શાળાની તાળા બંધી કરી હતી. વાલીઓ સવારે સાત વાગ્યાથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા અને તાળાબંધી કરી દીધી હતી. જો કે નિંદ્રાધીન વહીવટી તંત્રના અધિકારીઓ સવારે 10 વાગ્યાનાં અરસામાં શાળાએ પહોંચ્યા હતા. ત્યારે આ બાબતની જાણ ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલને થતા તેઓ તથા જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશભાઈ ત્રિવેદી સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રશ્નનો નિરાકરણ કરવા પ્રયાસ કર્યો હતો. તેમજ વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.જે બાદ 18મી તારીખે નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવી બાંહેધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અને શાળા શરૂ કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other