તાપી જિલ્લામાં કોરોના વાયરસના પ્રવેશવાની સંભાવનાઓ બળવત્તર !!

ફાઈલ તસ્વીર

Contact News Publisher

જિલ્લા વહિવટી તંત્રની કામગીરી પ્રશંસનીય પરંતુ ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ન સર્જાઈ તેનું ધ્યાન રાખવું અતિઆવશ્યક

કોરોનાના ૧૪૧ રેન્ડમલી સેમ્પલ લેવાયા પરંતુ બહારના જિલ્લાઓમાં અવર જવર કરતા ઇસમોના સેમ્પલો ક્યારે લેવાશે ?

તાપી જિલ્લામાંથી સુરત જિલ્લામાં અવર જવર કરતા ઇસમોની સંખ્યા અંદાજિત ૩૦૦ જેટલી જ્યારે અન્ય જિલ્લામાં અવરજવર કરતા ઇસમોની સંખ્યા સાથે આ આંકડો હજુ વધી જાય છે !!

તાપી જિલ્લાની બોર્ડરની આજુબાજુના ગામોમાં કોરોના વાયરસનો પ્રવેશ થઈ જતા તંત્રએ તકેદારી વધારવાની  તાતી જરૂર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસ પહેલા તબક્કે બિલ્લી પગે અને હવે કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. ત્યારે વાત કરીએ તાપી જિલ્લાની તાપી જિલ્લામાં કોરોના વાયરસનો પ્રવેશ ન થાય એ માટે જિલ્લાનું વહીવટી તંત્ર ખરેખર ખૂબ જ સુંદર અને પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યું છે. તાપી જિલ્લામાં અત્યાર સુધી ૧૪૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં ૧૪૦ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે એક રિપોર્ટ હજી પેન્ડિંગ છે જે બતાવે છે કે હજુ સુધી કોરોના વાયરસ તાપી જિલ્લામાં પ્રવેશી શક્યો નથી. સુરત શહેર તેમજ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે, મહુવા તાલુકામાં નોંધાયેલા પોઝિટિવ કેસો સુરત શહેરમાં કામકાજ અર્થે કે ફરજ બજાવવાના ઇરાદે અવર જવર કરતા હોવાના કારણે કોરોના સંક્રમિત થયા છે. તાપી જિલ્લામાંથી પણ અન્ય જીલ્લાઓ સુરત નવસારી વલસાડ કામકાજ અર્થે કે ફરજ બજાવવા અપ ડાઉન કરતા વ્યક્તિઓ સંક્રમણનો શિકાર તો નથી થઈ ગયા ને એ જોવાની જવાબદારી તંત્રના શિરે છે. તાપી જિલ્લામાંથી ફક્ત સુરત જિલ્લામાં પલસાણા કડોદરા બારડોલી તેમજ સુરત શહેરમાં અવર જવર કરનારાઓની સંખ્યા અંદાજે 300 જેટલી છે આ ઉપરાંત અન્ય જીલ્લાઓ માં અવર જવર કરનારાઓનો આંકડો ઉમેરવામાં આવે તો સંખ્યા હજુ વધી જાય છે. કોરોના વાયરસ સંક્રમિત જિલ્લાઓમાં દૈનિક કે અઠવાડીયે અવર જવર કરનારાઓ કોરોના વાયરસના વાહક બની શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા વ્યક્તિઓની આરોગ્ય તેમજ કોરોના ની તપાસ કરવામાં આવી છે કે કેમ એ કહેવું મુશ્કેલી ભર્યું છે કારણકે જિલ્લામાં અત્યાર સુધી ફક્ત 141 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને તે પણ રેન્ડમલી પસંદ કરાયેલા વિસ્તારોમાંથી જેથી વાયરસ સંક્રમિત જિલ્લાઓમાં અવર જવર કરનારાઓમાંથી કેટલાના સેમ્પલ લેવાયા હશે એ કહેવું મુશ્કેલીભર્યું છે.
તાપી જિલ્લાની જનતામાં એ વાતનો ઉચાટ જોવા મળી રહ્યો છે કે જે રીતે મહુવામાં વાયરસ પ્રવેશ કર્યો છે તેમ તાપી જિલ્લામાં તો નહીં થાયને?? જિલ્લાનું તંત્ર મુસ્તેદીથી ફરજ બજાવી રહ્યું છે ત્યારે સંક્રમિત જિલ્લાઓમાંથી તાપી જિલ્લામાં અપ ડાઉન કરનારાઓની ઓળખ કરી સમય રહેતા તેમના સેમ્પલ લેવા જોઈએ જેથી પરિસ્થિતીનું સાચુ આકલન કરી શકાય. આવી વ્યક્તિઓ કામકાજના સ્થળે જ રહીને કામ કરે અથવા તો અન્ય જિલ્લાઓમાં જવાનું ટાળે એવી જનતાની લાગણી અને માંગણી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ આ તરફ નજર દોડાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ નહીતો ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટના સર્જાય !!

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other