ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડોલીનાં કેન્દ્વાચાર્ય પરેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ ભૂપેન્દ્ર પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ સતિષ પરમાર, કીમ કેન્દ્રનાં તમામ શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય દિનેશ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં શાળાનાં ધોરણ 8 નાં બાળકોને સંબોધીને જણાવ્યું હતું કે તમે ધોરણ 1 થી લઈ આજપર્યંત આ શાળામાં અભ્યાસ કર્યો તે દરમિયાન તમારા તમામ શિક્ષકોએ જ્ઞાન પીરસવામાં કોઈ કચાશ રાખી નથી. સૌએ તમારામાં સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવામાં અથાગ મહેનત કરી છે તેને તમો દીપાવજો. આજનાં વિદાય પ્રસંગથી જ હવે આ શાળા અને તમારા સાચા સંબંધની શરૂઆત થાય છે તમે જ્યાં જાઓ ત્યાં આ શાળાની સારી બાબતોની વાત કરજો અને આ શાળાનું નામ રોશન કરજો.
આ તકે ધોરણ 8 નાં વિદ્યાર્થીઓએ શાળાનાં ધોરણ 1 થી 8 સુધીનાં સંસ્મરણો વાગોળ્યા હતાં. તમામ બાળકોનું કુમકુમ તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ પોતપોતાનાં ઉદબોધનમાં શાળામાંથી વિદાય લેતાં બાળકોને તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા રીટા ખેર તથા નીશા પાટણવાડિયાએ સંયુક્તપણે કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.