આરોગ્ય સેતુ” મોબાઈલ એપ ડાઉનલોડ કરીને વડાપ્રધાનશ્રીના “જાન ભી, ઔર જહાં ભી” સૂત્રને ચરિતાર્થ કરવાની તાપી કલેક્ટરશ્રીની અપીલ
“કોરોના” સામેના યુદ્ધમાં “ઢાલ” બની રહેતી “આરોગ્ય સેતુ” મોબાઈલ એપ પ્રજાજનોને જોખમી વિસ્તારમાં પ્રવેશતા અટકાવશે :
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૭: ભારતમાં બીજા લોકડાઉનની જાહેરાત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, ભારતના પ્રજાજનો પાસે સપ્તપદીના સાત વચન જેવા અતિ મૂલ્યવાન અને કારગત વચનો પાળવામાં સહયોગ આપવાની હૃદયસ્પર્શી અપીલ કરીને “જાન ભી, ઔર જહાં ભી” ના મંત્રને સાકાર કરવાનું આહવાન કર્યું છે.
આ સાત વચનોમાં એક વચન એટલે “આરોગ્ય સેતુ મોબાઈલ એપ” “કોરોના”ના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થવા ખૂબ જ ઉપયોગી એવી “આરોગ્ય સેતુ” એપ તાપી જિલ્લાના દરેક પ્રજાજનોને ડાઉનલોડ કરવાની હિમાયત કલેકટર શ્રી આર.જે.હાલાણીએ કરી છે. આવો જોઈએ “આરોગ્ય સેતુ” મોબાઈલ એપના લાભાલાભ.
“હું સુરક્ષિત, આપણે સુરક્ષિત, ભારત સુરક્ષિત” ના મંત્ર સાથે તૈયાર કરાયેલી આ મોબાઈલ એપ્લિકેશન ૨૯ એમ.બી.ની છે. મોબાઈલ ધારકોના આંગણીના ટેરવે “કોરોના” ને પડકાર આપતી આરોગ્યલક્ષી જાણકારી અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી દેશની ૧૧ ભાષાઓમાં મોબાઈલ સ્ક્રીન પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ એપમાં “કોરોના” સંબંધી તમામ અપડેટેડ જાણકારી સાથે, COVID-19 ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ આપવામાં આવ્યું છે. આ એપમાં બ્લૂટૂથ અને જી.પી.એસ.ના માધ્યમથી મોબાઈલ ધારકનું લોકેશન ટ્રેક કરવા સાથે મોબાઈલ ધારક “કોરોના” સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે કેમ તેની પણ જાણકારી આપે છે. “કોરોના” વાયરસના લક્ષણોના આધારે સ્વ પરિક્ષણની સુવિધા સાથે દરેક રાજ્યોના હેલ્પ ડેસ્કના નંબરો પણ અહીં ઉપલબ્ધ કરાવાયા છે.
આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે આ એપ્લિકેશન એ ભારતનું “કોરોના” સામેની લડતમાં આવશ્યક શસ્ત્ર છે. આ એપનો ઉપયોગ ક્યાંક જવા આવવા માટે “ઇ-પાસ” તરીકે પણ કરવામાં આવશે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી “આરોગ્ય સેતુ” એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. જે તમારા લોકેશનના આધારે કોરોનાથી થતા ભય સામે ચેતવણી આપશે. લોકોને કોરોનાના ચેપથી બચાવવા માટે ભારત સરકારે થોડા દિવસો પહેલા જ લોન્ચ કરેલી “આરોગ્ય સેતુ” એપ્લિકેશનને બે કરોડથી વધુ લોકોએ માત્ર એક જ અઠવાડિયામાં ડાઉનલોડ કરી છે. “આરોગ્ય સેતુ” એપ એ એક કોરોના ટ્રેકર એપ્લિકેશન છે, જે યુઝર્સને કોરોનાના હોટસ્પોટ કે જોખમી વિસ્તારોમાં પ્રવેશતા અટકાવે છે. આ એક લોકેશન આધારિત કોરોના વાયરસ ટ્રેકર એપ્લિકેશન છે.
આ એપ્લિકેશનમાં યુઝરે મોબાઇલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જેના પર એક ઓ.ટી.પી. આવ્યા પછી આ એપ્લિકેશન તમારા લોકેશનના આધારે કોરોનાથી થતા ભય સામે ચેતવણી આપશે. યુઝર્સને “કોરોના” ના જોખમી વિસ્તારમાં પ્રવેશ સામે ચેતવણી આપવા ઉપરાંત, મોબાઈલ ધારકની આસપાસ કોઈ “કોરોના” સંક્રમિત વ્યક્તિના પ્રવેશ સામે પણ ચેતવણી આપે છે. આ એપમાં ‘સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ’ સુવિધા પણ છે, જેમાં તમારી ઉંમર, નામ, કોઇ બિમારીના લક્ષણ, કોઇ દવા લો છો કે કેમ વગેરે પ્રશ્નો પુછવામાં આવે છે. જેની મદદથી તમે લક્ષણો જણાવી શકો છો, અને કોરોના વાયરસના ચેપના જોખમ વિશે જાણી શકો છો. આ એપ્લિકેશન એ પણ જણાવે છે કે તમે આપેલા ફીડબેકના આધારે તમને કોરોનો થવાનું જોખમ કેટલું છે. એપ તમને જરુર પડે પરીક્ષણ કરવાની અને ડોકટરનો સંપર્ક કરવાની જરુર છે કે કેમ તે પણ જણાવે છે.
આમ, “કોરોના” સામે વ્યક્તિગત ઢાલ તરીકે ખૂબ જ ઉપયોગી “આરોગ્ય સેતુ” મોબાઈલ એપ તાપી જિલ્લાના દરેક મોબાઈલ ધારકો ડાઉનલોડ કરીને તેના ઉપયોગ સાથે, “કોરોના” સામેના યુદ્ધમાં વિજય બનીએ, એમ પણ કલેકટર શ્રી આર.જે.હાલાણીએ વધુમાં જણાવ્યું છે.
–