ભટગામ: શાળાનાં બાળકોએ ઐતિહાસિક દાંડીકૂચને જીવંત બનાવી ગામનાં ઈતિહાસને તાદ્શ્ય કર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સવિનય કાનુનભંગની ચળવળનાં ભાગરૂપે ગાંધીજીએ મીઠાનાં અન્યાયી કાયદાનો ભંગ કરવાનાં નિર્ધાર સાથે 12 મી માર્ચ, 1930 નાં રોજ 79 સત્યાગ્રહીઓ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાનાં દાંડીનાં દરિયાકિનારા સુધી પદયાત્રા કરી હતી. જે ઐતિહાસિક યાત્રા દાંડીકૂચનાં નામે પ્રસિદ્ધ થઈ. આ યાત્રા 370 કિમી જેટલું અંતર કાપી 24 માં દિવસે દાંડી ખાતે પહોંચી હતી.
તા. 29 માર્ચ, 1930 નાં દિવસે ગાંધીજીનાં પાવન પગલાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભટગામમાં પણ પડ્યા હતાં. જે વિશેષ દિવસને ભટગામ પ્રાથમિક શાળાઓનાં બાળકોએ જીવંત કરી ગાંધીજી અને સાથી સત્યાગ્રહીઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. શાળાનાં ઉપશિક્ષિકા નિમીષા પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ આબેહૂબ દાંડીકૂચનું દ્રશ્ય ખડુ કર્યુ હતું. બાળકોએ ગાંધીજીએ જે માર્ગે ગામમાં પ્રવેશ કર્યો હતો ત્યાંથી હાલનાં યાત્રી નિવાસ સુધીની પ્રતિક કૂચ કરી હતી. અહીં કૂચ ઉપર દેશભક્તિનાં નારા સાથે પુષ્પવર્ષા કરવામાં આવી હતી. શાળાનાં આચાર્ય વિરલ પટેલ સહિત શિક્ષકગણ મનિષા પટેલ, કલ્પના પટેલ, અલ્પેશ પટેલ તથા દિપક પટેલનાં સહયોગ અને રાહબરી હેઠળ બાળાઓએ આ તકે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
યાત્રી નિવાસનાં કેરટેકર ગૌરવ ગોસ્વામી અને કાર્તિક પટેલે અત્રે બાળકો સમક્ષ દાંડીકૂચનો ઈતિહાસ વર્ણવ્યો હતો. સાથે જ રાત્રિરોકાણ દરમિયાન ગાંધીજીએ આ ગામમાં કરેલ ભાષણનું વાંચન કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે એરથાણથી નીકળી ગાંધીજી અને સત્યાગ્રહીઓ ભટગામ આવ્યા હતાં. અહીં પ્રાથમિક શાળામાં ગાંધીજી અને તેમનાં સાથીઓએ રાત્રિરોકાણ કર્યું હતું તે ઓરડો આજે પણ ઐતિહાસિક દાંડીકૂચ અને ગાંધીજીની હયાતીનાં સંસ્મરણો તાદ્શ્ય કરે છે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ભટગામમાં ગાંધીજીનાં સભા સંબોધનનાં અંશો
તેમણે ભાષણ કર્યું હતું કે આજે જેને આપણે વસવાયા માનીએ છીએ તેવાં માણસને માથા પર બત્તી જડેલો બાજઠ મેલીને આગળ ચલાવવામાં આવતો હતો. આપણે કહીએ છીએ કે સ્વરાજમાં વેઠ નહિ ચાલે આમ કહેવાનો તમને અને મને શો અધિકાર છે? બે ગરીબ મજૂરો પાસે રાત્રિનાં સમયે બત્તી માથે ઉપાડવાની વાત જણાવી તેમણે રોષ પ્રકટ કર્યો હતો. ગરીબ મજૂર પ્રત્યેની સંવેદના સહજતાપૂર્વક ઉપસ્થિત આગેવાનોને જણાવી પોતાની સ્પષ્ટ વક્તા તરીકેની છાપ છોડી હતી. સ્વરાજ લીધા વિના હું આશ્રમનાં દર્શન કરવાનો નથી. કાગડા કૂતરાની મોતે મરીશ પણ પાછો ફરવાનો નથી જ. ખૂબજ સ્પષ્ટ શબ્દોમાં તેમણે સાચા સ્વરાજની વ્યાખ્યા આપી હતી.