સુરતની લસકાણા કેન્દ્ર શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયકલ તથા સ્કૂલબેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવાં શુભ હેતુસર લસકાણા કેન્દ્ર સંલગ્ન તમામ પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ તથા ધોરણ 5 અને ધોરણ 8 નાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવાનો કાર્યક્રમ લસકાણા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્ય અરવિંદભાઈ કાકડીયા, રાકેશભાઈ ભીકડીયા, વિનોદભાઈ ગજેરા, નિરીક્ષક કે.બી.વાઘાણી, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, કેન્દ્ર સંલગ્ન તમામ પ્રાથમિક શાળાઓનાં આચાર્યો, લાભાર્થી વિદ્યાર્થીઓ સહિત તેમનાં વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાનાં ઉદબોધનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિઓની રૂપરેખા વર્ણવી હતી. આ સાથે તેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોતાનાં હસ્તે સાયકલ તથા સ્કૂલબેગ વિતરણ કરી સન્માનિત કર્યા હતાં. વાલીજનોએ પોતાનાં પ્રતિભાવમાં આ પ્રેરણાદાયી પ્રસંગને બિરદાવ્યો હતો.
શાળાનાં આચાર્ય જીતુભાઈએ આ સમગ્ર કાર્યક્રમને વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ તરફનું એક ડગલું ગણાવી આવનારા દિવસોમાં પણ નવીનતમ બાળકેન્દ્રી કાર્યક્રમોની શ્રેણી ચાલુ રાખવાનાં આશાવાદ સાથે ઉપસ્થિત મહાનુભવો સહિત વાલીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.