તાપી જિલ્લાની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ફિલ્મ નિદર્શન દ્વારા યુવા મતદારોને માર્ગદર્શિત કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૭ :- આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી આવી રહી છે ત્યારે યુવા મતદારો ખાસ કરીને મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે ખુબ જ જરૂરી છે. જેના ભાગરૂપે તાપી ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સુધી ધારા પટેલ દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃતિઓ હાથ ધરી તાપી જિલ્લામાં મહત્તમ મતદારો અને ખાસ કરીને કોલેજના યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ પ્રકારના મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે.
તાપી જિલ્લામાં આવેલ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુસર સ્વીપ પ્રવૃતિ અંતર્ગત EVM બાબતે ફિલ્મ નિદર્શન દ્વારા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરકારી પોલીટેકનીક કોલેજ વ્યારા, આઇ.ટી.આઇ. ઉકાઈ, આઈ.ટી.આઇ. ઇન્દુ, આઇ.ટી.આઈ.વાલોડ, શ્રી આર.પી.ચૌહોંણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના એમ મળી કુલ ૪૧૫ જેટલા ભાવી મતદારો અને ૧૨૦ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
000