ગિરીમથક સાપુતારાનાં નોટીફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફીસરની બદલી રદ ન થતા પ્રથમ દિવસે સાપુતારા સજ્જડ બંધ
ગિરીમથક સાપુતારા સજ્જડ બંધ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓની હાલત કફોડી બની..
ગિરીમથક સાપુતારા સજ્જડ બંધ રહેતા જોવાલાયક સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા..
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સાપુતારા નવાગામ વર્ષોથી ભાજપાને વરેલુ ગામ હોવા છતાંય અહીના ગ્રામજનોને વાચા આપવા કે હૈયાધરપત આપવા માટે ડાંગ જિલ્લામાંથી કોઈ પણ ભાજપી અગ્રણીઓ ન ફરકતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો…સાપુતારા 04-03-2024 ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે નોટીફાઇડ એરીયા કચેરીમાં ફરજ બજાવતા કાયમી ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલીને લઈને નવાગામ – સાપુતારાનાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેને લઈને ત્રણ દિવસ સુધી સાપુતારા બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ જે એલાનનાં સંદર્ભે સોમવારે પ્રથમ દિવસે સાપુતારા ખાતે સજ્જડ બંધ પાળવામાં આવતા ફરવા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.રાજ્યનાં એકમાત્ર ગિરીમથક સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. ચિંતન વૈષ્ણવની ત્રણ દિવસ પૂર્વે ભાવનગર ખાતે બદલી કરવામાં આવતા સ્થાનિકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.કારણ કે સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકેનું ગાડુ ગબડાવવામાં આવતુ હતુ.સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીમાં અગાઉ ચાર્જમાં જે પણ અધિકારી કાર્યરત હતા.તેઓ સાપુતારાનાં વણઉકેલ્યા પ્રશ્નોને નિરાકરણ કરવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યા હતા.પરંતુ બે મહિના અગાઉ રાજ્ય સરકાર દ્વારા કાયમી ચીફ ઓફિસર તરીકે ડો. ચિંતન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી હતી.ત્યારે તેમણે બે જ માસમાં નવાગામનાં પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.તેમજ સાપુતારા ખાતે અનેક વિકાસનાં કામ પણ કર્યા હતા.ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીની તુરંત જ બદલી કરી દેવામાં આવતા ગામનો વિકાસ અટકી જશે એવો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. તેથી સાપુતારાનાં ચીફ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવની બદલીનો ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રહી છે.જોકે હજુ સુધી ચીફ ઓફીસર ડો. ચિંતન વૈષ્ણવની બદલી રાજ્ય સરકાર દ્વારા અટકાવવામાં આવેલ નથી.જેથી રોષે ભરાયેલ ગ્રામજનોએ સોમવારેથી બુધવાર સુધીનાં ત્રણ દિવસ માટે સમગ્ર સાપુતારાનાં બંધનું એલાન જાહેર કર્યું હતુ.ત્યારે આ બંધનાં એલાનનાં પગલે પ્રથમ દિવસે સાપુતારા સજ્જડ બંધ રહેતા સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી.ગિરિમથક સાપુતારા પ્રથમ દિવસે સજ્જડ બંધ રહેતા ફરવા માટે આવેલા પ્રવાસીઓને ચા – નાસ્તો કે પાણીની સુવિધા પણ પ્રાપ્ત ન થતા ગોથે ચડ્યા હતા.અને વીલા મોઢે પરત ફર્યા હતા.વધુમાં ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે આ સજ્જડ બંધ બાદ પણ જો ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી નો ઓર્ડર રદ નહીં કરવામાં આવે તો આવનાર શનિવારે અને રવિવારે સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને જેમાં કઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ડાંગ વહીવટી તંત્રની રહશે.વધુમાં આવનારી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે એવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ત્યારે આ બાબતે સાપુતારા નવાગામનાં ગ્રામજનોને વાચા મળશે કે પછી પ્રશ્ન બની રહેશે તે સમય જ બતાવશે. બોક્ષ-(1)સાપુતારાનું નવાગામ એટલે ભાજપાને વરેલુ ગામ હોવા છતાંય આ ગામની ભાજપાનાં શાશનમાં કોઈ કદર ન થતા ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો હતો.સાપુતારા નવાગામ નોટીફાઈડ એરીયા કચેરીમાં આવતુ હોવાથી આ ગામને માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જ મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.જેમાં દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો સાપુતારા નવાગામમાંથી ભાજપા પક્ષને સૌથી વધુ મતદાનની લીડ મળે છે.સાપુતારા નવાગામ વર્ષોથી ભાજપાને વરેલુ ગામ છે.પરંતુ આજરોજ ભાજપાને વરેલ ગામનાં ગ્રામજનોની ભાજપાનાં રાજમાં જ કોઈ કદર ન થતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.આજરોજ સાપુતારા સજ્જડ બંધનાં એલાન વખતે બપોર સુધીમાં ગ્રામજનોને હૈયાધરપત આપવા કે મળવા ડાંગ જિલ્લાનાં ભાજપાનાં કોઈ પણ આગેવાનો ન ફરકતા લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.