તાપી જિલ્લા ખેડૂત જોગ : રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે
આગામી તા.૩૧માર્ચ સુધીમાં VCE મારફત નોંધણી કરાવવાની રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧: રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, મકાઈ, બાજરી, જુવાર(હાઇબ્રિડ-માલદંડી) ની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની નોંધણીની મુદ્દત સમગ્ર રાજયમાં સ્થાનિક સ્તરે VCE દ્વારા આગામી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી નોંધણી કરાવી લેવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ટેકા ભાવ પ્રતિ ક્વિટલ(રૂ) જોઇએ તો ઘઉંનો રૂ. ૨૨૭૫, મકાઇનો રૂ. ૨૦૯૦, બાજરીનો રૂ. ૨૫૦૦, જુવાર (હાઇબ્રીડ)નો રૂ. ૩૧૮૦, જુવાર (માલદંડી)નો રૂ. ૩૨૨૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામા આવ્યો છે. તાપી જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી સમગ્ર જિલ્લામાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી કરવી લેવી.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતો પાસે થી તા.૧૫-૦૩-૨૦૨૪ થી તા.૩૧-૦૫-૨૦૨૪ દરમ્યાન ગુ.રા.પૂ.ની.લીના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે, ઓનલાઈન માટે જરૂરી પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮અ ની નકલ, નમૂના-૧૨માં પાકની વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તે પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્ક એકાઉન્ટના પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિત નો)સાથે લાવવાના રહેશે.
ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ ભેજનું પ્રમાણ નિયત પ્રમાણમાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી એમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦