કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૧મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૨૧મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના અધ્યક્ષપદ અને માર્ગદર્શન હેઠળ તા. ૦૧/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાઇ હતી. જેમાં ન.કૃ.યુ., નવસારીના મા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. એમ. ચૌહાણ, કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, વૈજ્ઞાનિકશ્રીઓ, તાપી જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો, NGOના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અધ્યક્ષ તથા ન.કૃ.યુ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલ એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓનેતેમની આગવી શૈલીથી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ કૃષિ કેન્દ્રના વૈજ્ઞાનિકો જિલ્લાના છેવાડાના ગામોમાં જઈને કૃષિની આધુનિક યાંત્રિકતાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડુતો સુધી પહોંચાડવા તેમજ જિલ્લાના દરેક ખેડુતો આ સંશોધનો વિશે અવગત થાય એ વિશે વૈજ્ઞાનિકોને કાર્યો કરવા સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે સેંદ્રિય કાર્બનની લભ્યતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે બાયોચારની ઉપયોગીતા વિશે ખેડૂતોને માહિતગાર કરવા અંગે સૂચન કર્યું હતું. તેમજ ખેડૂતોને આવક વધારવા માટે ખેતી ખર્ચ ઘટે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ડૉ. પટેલ એ “વન ટેકનોલોજી, વન વિલેજ” કન્સેપ્ટનો પણ પ્રચાર-પ્રસાર કરવા માટે ભાર મૂક્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. એમ. ચૌહાણ એ જણાવ્યું કે આ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ ગણેશ મૂર્તિની બનાવટ વ્યવસાયલક્ષી તાલીમો થકી સ્વ સહાય જૂથની બહેનો આત્મનિર્ભર બની છે તેમજ પોતાના કુટુંબને પણ આર્થિક રીતે મદદ કરી રહી છે એ કામગીરીની સરાહના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે કેવિકે તાપી દ્વારા આપવામાં આવેલ અગ્રિમ હરોળ નિદર્શનની ટેક્નોલોજીઓ જિલ્લાના કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર થાય એ અંગે સૂચન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યા એ સભ્યશ્રીઓને આવકાર આપી વર્ષ ૨૦૨૩નો કેન્દ્રનો પ્રગતિ અહેવાલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. ડૉ. પંડ્યા એ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ તાલીમો, અગ્રિમ હરોળ નિદર્શન, જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ, સફળતાની વાર્તાઓ, ઇમ્પેક્ટ સ્ટડીઝ તેમજ કેન્દ્રએ મેળવેલ સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા વર્ષ ૨૦૨૪ના એન્યુઅલ એક્શન પ્લાનની પણ સમજ આપી હતી અને સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનોનો પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો શ્રીમતી સ્નેહલતાબેન જયેશભાઈ ચૌધરી, આધ્યાપૂર, તા. વાલોડ અને શ્રી પદ્માબેન કોંકણી, ધનુબેન કોંકણી, કરંજખેડ, તા. ડોલવણ. દ્વારા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ઢોડીયા વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other