પીએમ આવાસ યોજના થકી નવી ધાટના ચૌધરી પરિવારનું પાકા મકાનનું સ્વપ્ન થયું સાકાર
સરકારે આપી ૧.૨૦ લાખની સહાય : ચૌધરી પરિવારે સરકારનો આભાર માન્યો
—–
વરસાદની ઋતુમાં કાચા મકાનમાં મુશ્કેલી વેઠવી પડતી, પાકું મકાન બન્યા બાદ વરસાદની મજા માણીએ છીએ :- શ્રીમતી રંજનબેન ચૌધરી
—–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નવી ધાટ ગામના વતની અને પીએમ આવાસ યોજનાના લાભાર્થી શ્રીમતી રંજનબેન મેહુલભાઇ ચૌધરીના પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયા બાદ તેઓ આજે સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે. માધ્યમો સાથેના સંવાદમાં શ્રી ચૌધરી વરસાદની સીઝનમાં વેઠવી પડતી તકલીફોની આપવીતી જણાવતા કહે છે કે, ઘરમાં પાણી આવવાથી ચીજ વસ્તુઓનું નુકસાન થતું હતું. વધુમાં મચ્છરના ઉપદ્રવથી ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહેતી હતી. આ તો ઠીક, પરંતુ છતમાંથી ટપકતા પાણીના કારણે રાંધવામાં પણ મુશ્કેલીઓ વેઠી પડતી અને બાળકોને ભૂખ્યા સુવડાવ્યા છે.
શ્રી ચૌધરી ઉમેરે છે કે, સરકારની પીએમ આવાસ યોજના અંગેની માહિતી મને ગ્રામસભા દ્વારા મળી હતી. મેં સંપૂર્ણ માહિતી કઢાવીને સરપંચ સાહેબ અને સભ્યોની મદદ લીધી, સંપૂર્ણ દસ્તાવેજ ચકાસણી બાદ મને આવાસની મંજૂરી મળી હતી. મને સરકારશ્રી તરફથી કુલ રૂ.૧.૨૦ લાખની સહાય મળી હતી સાથે મનરેગા યોજના હેઠળ ૨૦ હજારની મજુરી પેટે સહાય મળી અને થોડી મારી પોતાની બચત. જેનાથી મેં મારાં સપનાનું પાકું મકાન બનાવ્યું છે. આજે હું મારાં પરિવાર સાથે ખુબ ખુશ છું.
તાપી જિલ્લાના વ્યારા તલુકાના ધાટ ગામે રહેતા રંજનાબેનના પતિ મેહુલભાઈ પશુપાલન અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. પરિવારમાં કુલ સાત સભ્યો છે, ત્યારે સમજી શકાય કે પરિવારનું ગુજરાન ચલાવવું કેટલું મુશ્કેલ થતું હશે. આવામાં પાકું મકાન બનાવવાની હિંમત કોઈ કેવી રીતે કરે…?
સરકારે ચૌધરી પરિવાર જેવા હજારો-લાખો પરિવારને પાકા મકાન બનાવવા માટે હિંમતની સાથે આર્થિક સહાય આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની કેન્દ્ર અને રાજ્ય સરકારે હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના પડખે રહી તેમની જરૂરિયાતોને સમજી છે. જરૂરિયાતોને સમજીને તેને કઈ રીતે મદદ પુરી કરવી તેનું પણ અસરકારક આયોજન સરકાર દ્વારા કરીને પરિણામલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.
આજે ચૌધરી પરિવાર પોતામાં પાકા મકાનમાં ખુશાલ જીવન પસાર કરી રહ્યા છે. હવે ચોમાસાની ઋતુમાં ચૌધરી પરિવારને કોઈ મુશ્કેલી નડતી નથી. હવે તો તેઓ આંગણે બેસીને વરસાદની મજા માણે છે. સરકારે તેઓની દરકાર લીધી તે માટે ચૌધરી પરિવાર સરકારનો આભાર વ્યક્ત કરે છે.
૦૦૦