કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા સાજુપાડા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની બે દિવસીય તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : પ્રાકૃતિક જીલ્લા તરીકેની ઓળખ ધરાવતા એવા આપણા ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોના ઉત્કર્ષ માટે હરહંમેશ તૈયાર રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ડાંગ જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ વિશે જાગૃત થાય અને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવતા થાય તેના માટે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.
તા.૦૫/૦૧/૨૦૨૪ અને ૦૬/૦૧/૨૦૨૪ ના રોજ ડાંગ જીલ્લાના સુબીર તાલુકામાં આવેલ સાજુપાડા ગામ ખાતે બે-દિવસીય પ્રાકુતિક કૃષિ પધ્ધતિ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાફસા અને જંતુનાશક અસ્ત્રો વિશે ખૂબ જ ઝીણવટભરી માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન વૈજ્ઞાનિકશ્રી એ પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ માં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત , અગ્નીસ્ત્ર અને અન્ય વિવિધ પ્રાકૃતિક ખેતીની બનાવટો વિશે પ્રત્યક્ષ નિદર્શન કરી બતાવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં સુબીર તાલુકાના સાજુપાડા ગામના ૪૨ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરકારશ્રીની પ્રાકૃતિક કૃષિ ની ઝુંબેશ ને આગળ ધપાવવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.