ઘરે ઘરે સંસ્કાર અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીનાં ઉર્સ- મેળાનો 12 મીથી પ્રારંભ

Contact News Publisher

પરંપરાગત સજજાદાનશીનની હાજરીમાં કોમી એકતાનું અનોખું વાતાવરણ સર્જાશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘરે ઘરે સંસ્કાર આપો, ઘરે ઘરે ગાય પાળો, કોમી એકતા, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસનમુક્તિ, ઘરે ઘરે વૃક્ષ વાવો તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની દરગાહ શરીફની ગાદી કે જેઓનાં વડીલ સંતોએ ભારત વર્ષમાં પાછલા 750 વર્ષ પૂર્વે માનવતા અને કોમી એકતાને પ્રાધાન્ય આપવાનું કામ આરંભ્યું હતું. આ ગાદીનાં વડીલોએ રાજાશાહીનો ત્યાગ કરી ફકીરી અપનાવી હતી અને આટલા વર્ષો બાદ પણ અહીંનાં પરંપરાગત હાલનાં એકમાત્ર સજ્જાદાનશીન- ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે.
આજ પવિત્ર ગાદીનો દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળો યોજાય છે અને જે ચાલુ વર્ષે તારીખ 12 જાન્યુઆરી ને શુક્રવારનાં રોજથી શરૂ થશે અને તારીખ 13 જાન્યુઆરી ને શનિવારની રાત્રે ચિરાગી થશે તેમજ રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે.
તા. 12/1/2024 ને શુક્રવારનાં રોજ હાલનાં ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પોતાનાં રહેઠાણ પાલેજથી 11:00 કલાકે મોટામિયાં માંગરોળ આવશે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. તા.12 નાં રોજ 3:30 કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં મુબારક હસ્તે સંદલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો, કોમી એકતા માટે વિશેષ દુવાઓ પણ થશે. આ ઉર્સ દરમિયાન દેશ-વિદેશ તેમજ ગુજરાતનાં વિવિધ સ્થળોએથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડશે. ઉર્સ દરમિયાન કોમી એકતાનાં ભજન અને મહેફિલે શમા જેવાં કાર્યક્રમ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાદીનાં મહાન સંત રાજવલ્લભ રાજગુરુ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી ત્રીજાનાં સેવા કાર્યોની નોંધ બ્રિટીશ સરકારથી લઇ વિવિધ સંસ્થાઓ અને સર સયાજીરાવ ગાયકવાડ સહિત અન્ય મહાનુભાવોએ મોટામિયાં માંગરોલ ગાદી ખાતે આવી એમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ તેઓનાં જયેષ્ઠ પુત્ર હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મોટિમિયાં ચિશ્તી સાહેબ ગાદી પર આવ્યા. તેઓ બાદ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તીએ 1957 થી 2001 સુધી સતત ૪૫ વર્ષ સુધી સૌથી લાંબા કાર્યકાળ સુધી સેવા આપી હતી. તેમનાં પછી વર્ષ 2001માં પરંપરા અનુસાર તેઓનાં જયેષ્ઠ પુત્ર પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી વિધિવત ગાદી પર બિરાજમાન થયા અને આજદિન સુધી સંપૂર્ણ સૂફી ઢબે વિવાદોથી દૂર રહી લોક સેવા કરી રહ્યા છે. તેઓએ ઉર્સ દરમિયાન 15 દિવસ સુધી મોટામિયા માંગરોળ મુકામે પૂર્વજોની ઢબે મુરીદ અથવા અનુયાયીઓ બનાવવાની પ્રક્રિયા પણ જાળવી રાખી છે. અહીં નોંધપાત્ર બાબત એ કે આ જ સ્થળની વડીલ સંતોની આજ્ઞા અનુસાર ગાદી તરીકે સ્થાપના કરવામાં આવી છે, જેનું વિશેષ મહત્વ હોય અહીંનાં તમામ સંતોનાં ઉર્સ એકજ દિવસે ઉજવવામાં આવે છે, જેને ખાનવાદાએ ચિશ્તીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાદી પ્રેરિત ચાલતાં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, અધ્યાત્મ તથા સમાજસેવાનાં અનેક કાર્યો થઇ રહ્યા છે. શિક્ષણક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ શાળા પણ ચાલે છે. હઝરત ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા દ્વારા એક લાખ ગાયો પાળવામાં આવી હતી. આજે પણ આ સિદ્ધાંતને અનુસરીને અહીં ઘરે ઘરે ગાય પાળોનાં સંદેશ સાથે એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાનો તથા ઘરે ઘરે વૃક્ષો વાવો અભિયાન પૂરજોશમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તીનાં નેતૃત્વમાં ચાલી રહ્યું છે. પંદર દિવસ દરમ્યાન વિવિધ કોમનાં લાખો લોકોનું માનવ મહેરામણ ઉમટશે.
ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તીયાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ તથા મનોરંજનનાં સાધનો અને ખાણીપીણીનાં સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે, જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે. આ દરમિયાન સ્થાનિકો અને વહિવટીતંત્ર પોતાનો સાથ સહકાર આપે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other