કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે ‘મહિલાઓ માટે શ્રમ ઘટે તેવા ઉપયોગી ઓજારો/યંત્રો’ વિષય ઉપર કેન્દ્રિય તાલીમ અને નિદર્શન માટે હેન્ડ વીડરનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી ખાતે તારીખ:૦૩/૦૧/૨૦૨૪ ના રોજ ‘મહિલાઓ માટે શ્રમ ઘટે તેવા ઉપયોગી ઓજારો/યંત્રો’ વિષય પર કેન્દ્રિય મહિલા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમમાં ડોલવણ તાલુકાના હરીપુરા અને ધાંગધર ગામ તથા સોનગઢ તાલુકાના ખરસી ગામની કુલ ૩૦ આદિવાસી ખેડૂતમહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. સદર તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી મહિલાઓને સદર તાલીમ થકી માર્ગદર્શન મેળવી ખેતીકાર્યમાં શ્રમ ઘટે તેવા ઓજારોનો વધુમાં વધુ ઉપયોગ કરવા ઉપર ભાર મુક્યો હતો. વધુમાં, તાલીમમાં સંયુક્ત ખેતી નિયામક(સુરત ઝોન)શ્રી કે.વી.પટેલએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને ખેતઓજારો અને યંત્રો માટેની ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ખેડૂતમહિલાઓને ખેતીકાર્યમાં યાંત્રિકરણની અગત્યતા સમજાવી હતી. તાલીમમાં શ્રી નીતીન ગામીત, પ્રોજેક્ટ ડાયરેક્ટર- આત્મા, સુરત પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ તાલીમાર્થીઓને મહિલાઓ માટે શ્રમ ઘટે તેવા વિવિધ ઓજારો/યંત્રો વિષે સવિસ્તાર તાલીમ લેક્ચર, ફિલ્મ શો તેમજ જૂથચર્ચા દ્વારા આપી હતી. તાલીમ દરમ્યાન સર્વે તાલીમાર્થીઓને એડેપ્ટીવ ટ્રાયલ યોજના અંતર્ગત નિદર્શન માટે ઇનપુટ તરીકે નીંદણકાર્યમાં શ્રમ ઘટે તે માટે હેન્ડ વીડર (Twin wheel hoe weeder) પણ આપવામાં આવ્યા હતા અને ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકશ્રી દ્વારા કે.વિ.કે. ફાર્મ ખાતે હેન્ડ વીડરના ઉપયોગ વિષે પદ્ધતિ નિદર્શન પણ કરી બતાવ્યું હતુ. તાલીમના અંતે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ આભારવિધિ કરી હતી.