‘પીએમ જનમન’ અભિયાન અંતર્ગત આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ લેવા તાપી જિલ્લા તંત્રનો અનુરોધ
તાપી જિલ્લામાં “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.02 : સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ વિભાગો થકી આદિમજુથના પરિવારોના ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી વિવિધ યોજનના લાભો વિતરણ કરવાના કામો સહીત આઇ.ઈ.સી એકટીવીટીનો પ્રારંભ કરાયો છે. ત્યારે આ કામગીરી અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.એન. શાહ તથા પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલીયા સહીત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે આઈઈસીની કામગીરી, લાભ વિતરણ અંગે, કેમ્પમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ, આવાસ મંજુર કરવા માટેના જરૂરી પુરાવાઓ અંગે, ડીજીવસીએલ, વાસ્મો, આંગણવાડી, આયુષ્માન ભારત કાર્ડ, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ, પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ, વિશ્વકર્મા યોજના અંતર્ગત આર્ટિઝન તરીકેની નોંધણી કરાવવા, બેન્કની વિવિધ યોજનાના લાભો અંગે વિવિધ વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી.
0000