પીએમ જનમન અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૨૮૬ પરિવારોને નિ:શુલ્ક વિજ જોડાણનો લાભ મળતા તમામ પરિવારોના ઘરમાં આનંદનો અજવાસ પથરાયો
PM JANMAN અભિયાન વિશેષ
–
તાપી જિલ્લામાં “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન”ની સકારાત્મક અસર
–
આગામી સમયમાં બે હજારથી વધુ પરિવારોને મળશે નિ:શુલ્ક વિજ કનેકશનનો લાભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦: દેશના અને રાજ્યના આદિમ જૂથના વિકાસ માટે ” “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વીત કરી વિકાસની ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ત્યારે તાપી જિલ્લામાં આ અભિયાનની સકારાત્મક અસર જોવા મળી રહી છે.
તાપી જિલ્લામાં આદિમ જૂથના પરિવારોની ચાલી રહેલ સર્વેની કામગીરીમાં વિવિધ વિભાગોના ડેટા અનુસાર આદિમજાતીના પરિવારો લાભોથી વંચિત રહેતા તેઓને પ્રાધાન્યતા આપી તાત્કાલિક ધોરણે લાભો આપવામાં આવી રહ્યા છે.
જેમાં આજરોજ કાર્યપાલક ઈજનેર શ્રી એમ.એસ.પટેલના માર્ગદર્શન અને અને ડીજીવીસીએલની સમગ્ર ટીમ દ્વારા ‘પીએમ જનમન’ અભિયાનમાં એક જ દિવસમાં કુલ-૨૮૬ પરિવારોને નિ:શુલ્ક વિજ જોડાણનો લાભ આપતા તમામ પરિવારોના ઘરમાં આનંદનો અજવાસ પથરાયો છે. ડીજીવીસીએલની સમગ્ર ટીમ દ્વારા આગામી સમયમાં બે હજારથી વધુ પરિવારોને નિ:શુલ્ક વિજ કનેકશનનો લાભ આપવાનું સુદ્રઢ આયોજન કરાયું છે.
તાલુકા વાર વાત કરીએ તો, ડોલવણ તાલુકામાં ૩૦, નિઝરમાં-૧૬, સોનગઢમાં ૧૨૨, ઉચ્છલમાં-૫૩, વાલોડ-૧૦, વ્યારા-૫૫ મળી કુલ-૨૮૬ વિજ કનેકશન અપાયા છે.
નોંધનિય છે કે, ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઝારખંડના ખુંટલી ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની (PM-JANMAN) શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આદિવાસી જૂથોમાં નબળા ખાસ એવા ૩૫ જુથો (PVTG)ના વિકાસ માટેનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. PM – JANMAN અંતર્ગત તાપી જિલ્લામાં કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ આ અભિયાનને બહોળો પ્રતિસાદ મળવાની સાથે સાથે આદિમ જુથના પરિવારોને વિવિધ યોજનાના લાભો આપતા તેઓના જીવન પરિવર્તન લાવવાની દિશામાં તાપી જિલ્લા તંત્ર સફળતા મેળવી રહ્યું છે.
૦૦૦૦૦