સમગ્ર શિક્ષા અંતર્ગત ઓલપાડ તાલુકાનાં SMC-SMDC સભ્યોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)નાં સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)નાં સભ્યો માટે રાજ્ય કક્ષાની એક દિવસીય ઓનલાઈન તાલીમ બાયસેગ વંદે ગુજરાત ચેનલ નં 5 અને યૂટ્યૂબ ચેનલ GujratEclass નાં માધ્યમથી યોજવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સહિત શાળાનાં શિક્ષકો જોડાયા હતાં.
આ અંગે વધુ માહિતી આપતાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે સદર ઓનલાઈન તાલીમમાં તજજ્ઞો દ્વારા SMC અને SMDC નાં કાર્યો અને ફરજો, શાળા વિકાસ યોજના (SDP), શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે અમલીકૃત વિવિધ કાર્યક્રમ, માળખાકીય સુવિધાઓ, ડિજિટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારનાં બાળકો જેવાં વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.