જશવંતાબેન વસાવાને“દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)” અંતર્ગત કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પુરુસ્કૃત કરાયા
‘મેરી કહાની, મેરી જુબાની’ – મહિલા સશક્તિકરણ
–
મિશન મંગલમ યોજના થકી નિંદવાડ ગામના જશવંતાબેન વસાવા બની પગભર
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧ :- ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ એ મહિલા શક્તિકરણને સુનિશ્ચિત કરવાનું કાર્ય કર્યું છે. તાપી જિલ્લાની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે જો અમને આવા પ્લેટફોર્મ મળશે તો અમે અમારી સફળતાની વાતને સમાજ સમક્ષ જરૂર મુકીશું.
સરકારે મહિલા સશક્તિકરણને પાયાથી મજબૂત કરવા માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે સરકારની મહિલાલક્ષી યોજનાઓના લાભ થકી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનના અનુભવોને બહેનો સંકલ્પ યાત્રાના માધ્યમ થકી પ્રસ્તુત કરી રહ્યા છે.
‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ સોનગઢતાલુકાના નિંદવાડા ગામના લાભાર્થી શ્રીમતી જશવંતાબેન વસાવા ગ્રામજનો સમક્ષ પોતાના અનુભવો રજૂ કરતા જણાવે છે કે, હું મિશન મંગલમ યોજનાની લાભાર્થી છું. અમે ૧૦ બહેનોએ મળીને પ્રિન્સી સખીમંડળની રચના કરી છે. જેની હું પ્રમુખ છું. અમે માસિક સો રૂપિયાની બચત કરીએ છીએ. તેમજ સરકારશ્રી તરફથી અમને પાંચ હજારનું રિવોલવીંગ ફંડ પણ મળ્યું છે.
શ્રીમતી વસાવા વધુમાં જણાવે છે કે, અમારું જૂથની માસિક બચત જરૂરિયાતમંદ પરિવાર, બહેનોને મળે છે. જેનાથી તેઓ ખેતીકામમાં, બાળકોના શિક્ષણ, પ્રસંગ, તહેવાર દરમિયાન ધિરાણ તરીકે ઉપયોગ કરે છે. સખીમંડળ સાથે સંકળાયેલી બહેનો આજે પગભર બનીને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે. જે માટે હું સરકારશ્રીની આભારી છું.
નોંધનીય છે કે, પ્રિન્સી સખી મંડળના શ્રીમતી જશવંતાબેન વસાવાને- “દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)” અંતર્ગત કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પુરુસ્કૃત કરાયા હતા.
000